પરમોપકારી પૂજય ગુરૂદેવશ્રી કાનજીસ્વામીને વિ.સં.1978 (ઈ.સ.1922)માં ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણિત સમયસાર-પરમાગમનો પાવન યોગ થયો. તેથી તેમના સુષુપ્ત આધ્યાત્મીય પૂર્વસંસ્કાર જાગૃત થયા, અંતઃચેતના વિશુદ્ધ આત્મતત્વ સાધવા તરફ વળેલી પરિણતિ શુદ્ધાત્મભિમુખી થઈ, તથા તેમની પ્રવચનશૈલી અધ્યાત્મસુધાથી તરબોળ થઈ ગઈ.
પૂજ્ય (બહેનશ્રી) ચંપાબેન કે જેમનો જન્મ તા. 7/08/1914 વિ.સં.1970 ભાદરવા (ગુ.શ્રાવણ) વદી-2 ને શુક્રવારને દિવસે માતા તેજબા તથા પિતા જેઠાલાલભાઈના ધાર્મિક સંસ્કારો થયો હતો. તેઓનું બાળપણ ધર્મ, વૈરાગ્ય તથા ભક્તિમય સંસ્કારોથી અભિસિંચિત હતુ. તેમને લઘુ-વયમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રીની શુદ્ધાત્મસ્પર્શી વજ્રવાણીના શ્રવણનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેનાથી તેઓમાં સમ્યક્ત્વ-આરાધના પૂર્વસંસ્કાર પુનઃ સાકાર થયા. તેઓ શ્રીએ તત્વમંથનના અંતર્મુખ ઉગ્ર પૂરૂષાર્થ દ્વારા વિ.સં.1989 (ઈ.સ.1933)માં 18વર્ષની બાળાવયમાં જ નિજ શુદ્ધાત્મદેવનો ફાગણ વદ 10 ના દિને સાક્ષાત્કાર કરી નિર્મળ સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી. દિવસે-દિવસે વૃદ્ધિગત-ધારા પ્રવાહરૂપ વર્તતી, આ વિમળ અનુભૂતિથી સદા પવિત્ર તેમનું પ્રવર્તમાન જીવન, પૂજ્ય ગુરૂદેવશ્રીની માંગલિક, પ્રબળ પ્રભાવનારૂપ છાયામાં મુમુક્ષુઓને સદા પવિત્ર જીવનની પ્રેરણા આપતું રહ્યુ છે.