આત્માર્થી બ્ર. બહેનોએ પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભગવતી માતાની નિશ્રામાં ભૂતકાળમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં દીક્ષાકલ્યાણકના મંગળ દિને દેવ-શાસ્ત્ર-ગુરુ, જ્ઞાની ધર્માત્મા તથા આદરણીય પ્રતિષ્ઠાચાર્યની સાક્ષીએ આજીવન આત્મારાધના અર્થે નિવૃત્તિ લીધી હતી. ટ્રસ્ટે એ આદરણીય બ્રહ્મચારી બહેનો પ્રત્યે આદરભાવને શિરોધાર્ય રાખીને તેઓશ્રીના યથાયોગ્ય સન્માન અને ગરિમા જળવાય તેવી રીતે પ્રતિષ્ઠા મહોત્સવમાં વ્યવસ્થા કરી હતી. પ્રતિષ્ઠા મહોત્સવમાં બ્ર. બહેનો માટે સાનુકૂળ અલગ બેઠકની વ્યવસ્થા તથા શુદ્ધ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કાળજીપૂર્વક કરવામાં આવી હતી. દરેક પ્રસંગમાં મંગળ વિધિ, ભક્તિ-પૂજન-વિધાન, વેદીશુદ્ધિ, ઘટપૂરણવિધિ આદિ યથાયોગ્ય પ્રતિષ્ઠાની વિધિઓમાં બ્ર. બહેનોને પ્રથમ લાભ આપવામાં આવ્યો હતો. આદરણીય બહેનોએ પણ આ વિધિઓમાં અનેરા ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. તેઓએ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરતાં ઉત્કૃષ્ટ પ્રતિભાવ આપતાં સાનંદ જણાવ્યું કે આ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય થયો અને જાણે કે દેવોએ જ ભરતક્ષેત્રમાં આવીને ઉજવ્યો હોય તેવી અભૂતપૂર્વ અનુભૂતિ થઈ. પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય માતાજીના મંગળ આશિષ દેવલોકમાંથી વરસી જ રહ્યા હતા એવું અનુભવાયું હતું.