સોનગઢ ગામની કુલ વસ્તી ૬૦૦૦ થી ૭૦૦૦ લોકોની જ છે અને ગામમાં ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ મહેમાન સાધર્મીઓનો મેળો જામવાનો હતો. આવાસના દ્રષ્ટિકોણથી આ એક પડકારરૂપ કાર્ય હતું. ૯૪ સભ્યોની આવાસ ટીમે આ પડકારરૂપ કાર્ય ૯ મહિનાની મહેનત સાથે સફળતાથી પાર પાડ્યું. આ કાર્યને માટે એક કસ્ટમ સોફ્ટવેર તૈયાર કરેલ છે જેનો ઉપયોગ કરવામાં આવ્યો. રજીસ્ટ્રેશન ડેટા માટે આવાસ ટીમને IT અને ડિજિટલ ટીમ તરફથી તથા આવાસ માટે સોનગઢ, પાલીતાણા, ભાવનગર, સિહોર વગેરે ધર્મશાળા તથા હોટેલ્સ તરફથી સહકાર પ્રાપ્ત થયો. આમ આ બહોળી ટીમ સાથે આવાસ ટીમ ૧૦૦૦૦ સાધર્મીઓના આવાસની વ્યવસ્થા કરી શક્યા
યાતાયાતની વ્યવસ્થા માટે ટીમના સભ્યો દ્વારા ૧૫૦થી વધુ બસો, ૧૦૦થી વધુ ગાડીઓ તથા ૫૦થી વધુ રીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોનગઢની ટિકિટો ભરાઈ જતા, અમદાવાદ અને વડોદરાથી બસો ચલાવવામાં આવી તથા એરપોર્ટ પરથી પણ સાધર્મીઓને લેવા-મૂકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટે અપૂર્વ – અદ્ભુત સાધર્મીવાત્સલ્ય દાખવીને સૌરાષ્ટ્ર અને ગુજરાતના લગભગ તમામ મંદિરોમાંથી પ્રતિષ્ઠામાં આવનારા મુમુક્ષુ ભાઈ-બહેનો માટે નિ:શુલ્ક બસોની સુંદર વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થા દ્વારા સાધર્મીઓ પ્રતિષ્ઠાના એક દિવસ અગાઉ ૧૮-૦૧-૨૦૨૪એ સોનગઢ પધાર્યા. પ્રતિષ્ઠાના દિવસો દરમ્યાન ભાવનગર, પાલીતાણા, સિહોર વગેરે જગ્યાએથી સાધર્મીઓને લેવા-મૂકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રતિષ્ઠાના સમાપન બાદ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં બસો દ્વારા સાધર્મીઓને નિ:શુલ્ક પહોંચાડવામાં આવ્યા