વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
મુમુક્ષુઓ ચાતક પક્ષીની જેમ જે જમ્બૂદ્વીપ શાશ્વત જિનાયતન અને ધ્યાનસ્થ બાહુબલી મુનીન્દ્ર પ્રતિષ્ઠાની છેલ્લા બે દાયકાથી પ્રતીક્ષા કરતા હતા અને છેલ્લા કેટલાય વર્ષોથી જેની તડામારમાં તૈયારીઓ કરતા હતા તે પ્રસંગ હવે આવી ગયો છે.
પોષ સુદ ૭, બુધવાર, તા. ૧૭-૦૧-૨૦૨૪ના મુમુક્ષુઓનો આનંદ સમાતો ન હતો કારણકે આજે તો પ્રભુના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની નાંદીવિધાન આદિ કળશ ઘટપૂરણ વિધિ અને ધ્વજદંડ શુદ્ધિવિધિ કરવાની હતી. આ વિધિમાં (૧) નાંદીવિધાન આદિ ૩ કળશ, (૨) જિનેન્દ્ર ભગવાનની વેદી ઉપર બિરાજમાન કરવાના ૧૩૪ કળશ, (૩) પંચ પરમેષ્ઠી વિધાનના ૪ કળશ તથા (૪) યાગ મંડળના ૪ કળશની ઘટપૂરણ વિધિ સવારે જિનેન્દ્ર અભિષેક, પૂજન પછી પ્રતિષ્ઠાચાર્યજીઓ દ્વારા સાનંદ સંપન્ન થઈ.
પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન બાદ નાંદીવિધાન કળશ લઈ વાજતે-ગાજતે ભક્તિ કરતા મુમુક્ષુઓ પૂજ્ય બહેનશ્રીના નિવાસસ્થાને ગયા અને પૂજ્ય ભગવતીમાતાના ચિત્રપટ સમક્ષ કળશ બિરાજમાન કર્યો. આ પ્રસંગે મુમુક્ષુઓએ ધન્યતા અનુભવી અને પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય ભગવતી માતાની પરોક્ષ હાજરીનો અનુભવ કર્યો. આ આદર સન્માન બાદ નાંદીવિધાન કળશ ભગવાનના માતા-પિતાના ઘરે બિરાજમાન કરવામાં આવ્યો. આ પ્રસંગનો લાભ ભગવાનના માતા-પિતા, સૌધર્મ-શચિ આદિ સર્વ ઇન્દ્ર-ઇન્દ્રાણી, અષ્ટકુમારી દેવી, બ્રહ્મચારી બહેનો અને દેવ-દેવીઓને આપવામાં આવ્યો હતો. (અનુસંધાન: આત્મધર્મ અંક ફેબ્રુઆરી ૨૦૨૪)
પોષ સુદ ૮, ગુરુવાર, તા. ૧૮-૦૧-૨૪ના રોજ શાંતિજાપ સંકલ્પ, પ્રતિષ્ઠા વેદી, મંડપ તથા ભૂમિશુદ્ધિની વિધિ થઈ હતી. સમસ્ત જીવો વીતરાગ – શાંતિને પ્રાપ્ત કરે તે ભાવનાથી પ્રતિષ્ઠાચાર્યજીઓ શાંતિજાપના સંકલ્પ લેતા હોય છે. આ સંકલ્પની પૂર્તિ માટે સર્વ ઇન્દ્રો, રાજાઓ, દેવો તથા ૮૦ જેટલા ભાઈઓએ શાંતિજાપનો સંકલ્પ લીધો. આ વિધિ દરમ્યાન મંત્રથી પ્રાસુક કરેલા જળથી પ્રતિષ્ઠાની વેદી, મંડપ અને ભૂમિની શુદ્ધિ કરવામાં આવી. હવે પ્રતિષ્ઠા મંડપ એક વિશાળ જિનમંદિર તરીકે અયોધ્યા નગરીમાં શોભી રહ્યો હતો.