પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં તીર્થંકરના ગર્ભાવતરણથી મોક્ષ સુધીની યાત્રાને દર્શાવવામાં આવે છે. એમાં દરેક પ્રસંગોને અનુરૂપ ઇન્દ્રસભા તેમજ રાજસભા યોજાતી હોય છે. આ ભવ્ય પ્રતિષ્ઠાના આરંભના પ્રથમ દિને એટલે કે ધ્વજારોહણના પ્રસંગે, મુમુક્ષુ બાળકોએ ઢોલ-નગારા આદિ સાથે ખૂબ જ ધામધૂમથી, પૂજ્ય ગુરુદેવશ્રીની બનાવેલી ભવ્ય પ્રતિકૃતિ સમક્ષ સુવર્ણપુરીના જિનમંદિરોની ગૌરવ ગાથા ગાતું “અધ્યાત્મતીર્થ સુવર્ણપુરી” નામનું સુંદર ભક્તિ ગીત પ્રસ્તુત કર્યું. ત્યારબાદ પ્રતિષ્ઠાના મંચનું ઉદ્ઘાટન તથા આ પ્રતિષ્ઠા મહોત્સવના મંગળ ઉત્સવની પધરામણી નિમિત્તે પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનના વચનામૃતના ગુણગાન ગાતું તથા દેશ-વિદેશથી આવેલા સર્વ ભવિજનનો સત્કાર કરતું સુંદર સ્વાગત ગીત રજૂ કરાયેલ હતું.
ગર્ભકલ્યાણક પૂર્વ અને ગર્ભકલ્યાણકના દિન મુખ્યત્વે વિશેષ રૂપે બાળ તીર્થંકરના માતા અને અષ્ટકુમારીકા તથા ૫૬ કુમારીકા દેવીઓ દ્વારા ઉજવાતા હોય છે. આ દેવીઓ દ્વારા ઇન્દ્ર તેમજ રાજસભાની શરૂઆતમાં જિનેન્દ્ર ભગવંતોની મહિમા દર્શાવતા મનોહર મંગલાચરણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ગર્ભકલ્યાણકની સંધ્યાએ માતાની સેવામાં વ્યસ્ત રહેતી અષ્ટ દેવીઓ દ્વારા માતાનું મન અધ્યાત્મિક ચર્ચાઓ સાથે પ્રફુલ્લિત રાખવા માટે નૃત્ય ગીત અને તત્ત્વચર્ચા પ્રસ્તુત કરાયેલ હતી. ૫૬ કુમારીકાઓ પણ પોતાની સખીઓ સાથે માતાની સેવામાં હાજર હતી. તેઓ દ્વારા પણ આ હરખના દિનનો આનંદ અપાવતું સુંદર નૃત્ય ગીત રજૂ થયેલ હતું જે થકી સર્વ સભાજનો જાણે બાળ તીર્થંકરનું સ્વાગત કરવા અયોધ્યા નગરી પહોંચી ગયા હોય એવા ભાવ પ્રગટ થયા હતા.
માતા મરુદેવી બાળ તીર્થંકરના જન્મ પહેલા પાવન મંગળ સોળ સપના જોવે છે તે LED Screen પર 3D મેપિંગ થકી ખૂબ અદ્ભુત દ્રશ્યો દ્વારા બતાવવામાં આવેલ હતા તથા તે દિવ્ય સપનાનું ફળ પણ એક અનોખા નૃત્ય “આનંદ ભયો” દ્વારા મુમુક્ષુ બાળાઓએ રજૂ કરેલ હતું.
સર્વાર્થસિદ્ધિથી પધારેલા ત્રણ લોકના નાથ બાળ તીર્થંકરના જન્મ કલ્યાણક સમયે શચિ ઇન્દ્રાણી – સૌધર્મ ઇન્દ્ર સાથે અયોધ્યા નગરી આવે છે અને નૃત્ય દ્વારા પોતાનો અહોભાવ પ્રસ્તુત કરે છે. આનું વિશેષ વર્ણન ૨૨-૦૧-૨૦૨૪ના દૈનિક વર્ણનમાં આવરી લેવામાં આવ્યું છે.
તપકલ્યાણકના દિને મહારાજા ઋષભદેવને રાજસભામાં વૈરાગ્ય ઉત્તેજક કરાવ્યું. ઇન્દ્ર દ્વારા મોકલવામાં આવેલ દેવી નીલાંજનાનું નૃત્ય પણ ખૂબ અદ્ભુત હતું. 3D એનિમેશન દ્વારા LED Screen ઉપર પણ અદ્યતન ટેક્નોલોજી દ્વારા આબેહૂબ નીલાંજનાનું સર્જન ખૂબ અનોખી રીતે કરાયેલ હતું તથા નીલાંજના દેવીના મૃત્યુ બાદ સૌધર્મ ઇન્દ્ર દ્વારા દેવી પરિવર્તનનું દ્રશ્ય બખૂબી રીતે દર્શાવવામાં આવ્યું હતું. દીક્ષા પ્રસંગે કહાન શિશુ વિહારના બાળકોએ પ્રભુ દ્વારા વૈરાગ્યપૂર્ણ બાર ભાવનાનું ચિંતવન દર્શાવતું શાંતરસ પૂર્ણ એક અત્યંત ભાવવાહી નૃત્ય દર્શાવેલ હતું.
આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક નાટકોના પ્રારંભમાં મુમુક્ષુ બાળાઓ દ્વારા ક્લાસિકલ તેમજ આધ્યાત્મિક મંગલાચરણ નૃત્ય ગીતો રજૂ કરાયેલ હતા. આ દરેક પ્રસંગોમાં દેશ-વિદેશથી સમગ્ર મંડળોના બાળકોએ ઓનલાઇન તથા ઓફલાઇન પ્રેક્ટિસ કરીને ખૂબ ઉત્સાહ અને હર્ષપૂર્વક પ્રતિષ્ઠામાં ભાગ લીધેલ હતો. આ સૌ શાળા, કોલેજના તથા કામ કરતાં મુમુક્ષુ બાળકો છે. તેઓ નિયમિત રીતે પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રી પ્રેષિત તત્ત્વજ્ઞાનનું પોષણ કરતી પાઠશાળામાં અભ્યાસ કરે છે અને જિનધર્મના આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવાનો સતત પુરુષાર્થ કરે છે.