વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

પૂજન, વિધિ-વિધાન તથા મંચનું આયોજન

પૂજન, વિધિ-વિધાન તથા મંચનું આયોજન

શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજન, વિધિ-વિધાન તથા મંચનું આયોજન કમિટીનું અગત્યનું કાર્ય હતું કે દરેક વિધિ શાસ્ત્રોક્ત રીતે થાય અને તે વિધિ માટે જરૂરી સામગ્રી તૈયાર હોય.

આ ઉપરાંત પ્રતિષ્ઠાચાર્ય સમિતિ દ્વારા આયોજિત સ્વાધ્યાયી દેવ-દેવી યોજના તથા શાંતિ જાપ યોજનામાં જોડાયેલા સાધર્મીઓની કાર્યક્રમ દરમ્યાન વ્યવસ્થા કરવાની હતી.

આ પ્રતિષ્ઠા મહોત્સવની એક વિશિષ્ટતા તે હતી કે પ્રતિષ્ઠાને લગતી ઘણી વિધિઓ ચાર અલગ જગ્યાએ થઈ હતી—પંડાલમાં વેદી ઉપર બિરાજમાન જિનબિંબ; પ્રવચનમંડપમાં બિરાજમાન ત્રણ જિનબિંબ; સુમેરુ પર્વત ઉપર બિરાજમાન જિનબિંબ તથા વિશાળકાય બાહુબલી મુનીન્દ્ર. પૂજન કમિટીએ તે બાબતે ખૂબ જ ચીવટથી ધ્યાન રાખવાનું હતું કે પ્રતિષ્ઠાચાર્યજીના માર્ગદર્શનમાં દરેક જગ્યાએ જે વિધિ થાય તે પ્રમાણે ત્યાં બધી જોઈતી સામગ્રી અને કાર્યકર્તા, જેને તે વિધિ બાબતની જાણ હોય તે પહેલેથી પહોંચી જાય. તે માટે તેની પૂર્વ તૈયારી તો પ્રતિષ્ઠા પૂર્વે લગભગ એક વર્ષ પહેલાથી ચાલુ થયેલ. જેમાં સર્વ પ્રથમ તો દરેક વિધિમાં લાગતી સામગ્રી દેશના જુદા જુદા સ્થાનોથી સોનગઢમાં ભેગી કરવામાં આવી હતી.

આ કાર્ય માટે આ કમિટીમાં દેશ-વિદેશના ૧૭ મુમુક્ષુ મંડળોના ૮૬ કાર્યકર્તાઓએ સેવા આપી. આ કાર્યકર્તામાં ૨૨ બહેનોએ પણ ભાગ લીધો હતો. ટીમના વ્યવસ્થિત આયોજન માટે ઓનલાઇન મિટિંગ, વ્યક્તિગત મિટિંગ તથા સોનગઢમાં યોજાયેલ મિટિંગમાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

આ પ્રતિષ્ઠા દરમ્યાન બે વિશેષ પૂજાઓ હતી–પંચ પરમેષ્ઠી પૂજન વિધાન તથા યાગમંડળ પૂજા – જેમાં ટ્રસ્ટે, પ્રતિષ્ઠા સમિતિએ અને પૂજા કમિટીએ એવી ભાવના વ્યક્ત કરી હતી કે વધુમાં વધુ મુમુક્ષુઓ આ વિધાનમાં અષ્ટદ્રવ્યથી લાભ લે. આ ભાવના ફળીભૂત થાય તે હેતુએ બંને પૂજા વખતે વહેલી પ્રભાતે પૂજન સામગ્રીની વ્યવસ્થા કરી તે ભાવનાને સાકાર કરી જેમાં યાગમંડળ પૂજન વિધાનમાં ૧૨૦૦થી અધિક મુમુક્ષુ અને પંચ પરમેષ્ઠી પૂજન વિધાનમાં ૧૦૦૦થી અધિક મુમુક્ષુઓએ અતિ ભાવથી અષ્ટદ્રવ્યથી પૂજા કરી.

આ ઉપરાંત પંચકલ્યાણકની પૂજા, નિત્ય નિયમ પૂજા તથા વિશિષ્ટ પૂજાઓમાં (જેમ કે શાંતિજાપ સંકલ્પ, ધ્વજારોહણ, ઈન્દ્ર પ્રતિષ્ઠા, ભગવાનને વેદીમાં બિરાજમાન કરવાની તથા બાહુબલી મુનીન્દ્રના મહામસ્તકાભિષેક આદિ પૂજાઓમાં) ઇન્દ્ર-ઇન્દ્રાણી, અષ્ટકુમારી દેવીઓ, રાજા-રાણી, દેવ-દેવીઓ તથા ૧૦૦ થી ૧૫૦ મુમુક્ષુઓ પૂજાનો લાભ લેતા હતા.

વેદીશુદ્ધિની ઘટપૂરણવિધિ ૩૦’x૩૦’ ફૂટની રંગોળીમાં સ્થાપેલ ૧૦૦૮ કળશોમાં અતિ ભાવથી કરવામાં આવી. તત્પશ્ચાત ૨૧ સામગ્રી સાથે પ્રતિષ્ઠાચાર્ય સમિતિ તથા પ્રશિક્ષિત કાર્યકર્તાઓ દ્વારા દરેક લાભકર્તાએ ભાવસહિત વેદીશુદ્ધિ કરી હતી.

ભગવાનના જન્મકલ્યાણકના દિવસે દોઢ કિ.મી.ના અંતરે આવેલ પાંડુકશિલા પર શુદ્ધ પ્રાસુક જળથી ૪૫૦૦ મુમુક્ષુઓએ ભગવાનના અભિષેકનો લાભ લીધો.

૧૫૦ ભગવંતોની અંકન્યાસ વિધિ ચાર અલગ સ્થાનમાં શુદ્ધ ધોતી-ખેસ, ચંદન, લાગતી સામગ્રી, પ્રતિમામાં માતૃકા અંકના અંકોનું લેખન અને તે ઉપરાંત વિધિસહ ચાર અલગ સ્થાનમાં સમયસર સંપન્ન થઈ. તથા ભગવાનને બિરાજમાન કરવાની વિધિ પૂર્ણ સામગ્રીસહ હર્ષોલ્લાસપૂર્વક સંપન્ન થઈ. પ્રતિષ્ઠા બાદ ભાવવાહી ભક્તિ સાથે ચામર સ્થાપવામાં આવ્યા. લગભગ ૫૦૦૦ મુમુક્ષુઓ દ્વારા બાહુબલી મુનીન્દ્રનો મહામસ્તકાભિષેક તથા જિનેન્દ્ર ભગવંતોના મસ્તકાભિષેકના કાર્યક્રમો પૂજન-વિધાનપૂર્વક ઉત્સાહપૂર્વક સંપન્ન થયા.

આ સમગ્ર વિધિ વિધાનમાં શુદ્ધ ધોતી-ખેસ પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કુશળપણે સંપન્ન કરવામાં આવ્યું. આ પંચકલ્યાણક મહોત્સવ બાધારહિત જ્ઞાનીધર્માત્માની કૃપાદ્રષ્ટિથી પૂર્ણ થયો.