પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ તૈયારીરૂપે સોનગઢના કલા પ્રદર્શની કેન્દ્રમાં સોનામાં સુગંધ સમાન વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી મધ્યલોકના જમ્બૂદ્વીપ તથા તેમાં બિરાજમાન સમસ્ત અકૃત્રિમ જિનાલયોની એક અત્યંત સુંદર અને અદ્વિતીય રચના દર્શાવવામાં આવી. આવી રચના પહેલા ક્યારેય ક્યાંય જોવામાં આવી ન હતી અને મુમુક્ષુઓને સુદર્શનમેરુથી જમ્બૂદ્વીપની રચના કેવી છે તેનું વર્ણન સાક્ષાત દેવ વિમાનમાં યાત્રા કરતા હોય એવી રીતે કરાવવામાં આવી. આ અદ્ભુત દર્શનયાત્રા કરવા માટે એટલા બધા મુમુક્ષુઓનો ધસારો થયો કે બધાને સમય આપવા બુકીંગ કરવું પડ્યું. જે આ અંકના પ્રકાશન સુધી ચાલુ છે. મુમુક્ષુઓ જાણે શાશ્વત જિનાલયોની સાક્ષાત જાત્રા કરી હોય તેવા અનુભવથી અભિભૂત થાય છે. આ ઉપરાંત એકે-એક મુમુક્ષુ સુવર્ણપુરીમાં થનાર પંચકલ્યાણકના દરેકે-દરેક પ્રસંગની માહિતીની જાણ મેળવી શકે તે માટે ૩૫૦થી વધુ જાહેરાતના બેનરો ઠેક-ઠેકાણે લગાવવામાં આવ્યા હતાં તથા ૨૫૦થી વધુ સોશિયલ મીડિયા દ્વારા વિધ-વિધ જાહેરાતો કરવામાં આવી હતી. આમ ટ્રસ્ટ દ્વારા શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે હર્ષોલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા સંબંધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું