પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વેનો ઉત્સાહ
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ આવવાની ઊર્મિઓ સર્વ મુમુક્ષુઓના હૃદયમાં અનેક મહિનાઓ પહેલાથી જ ઉછળવા લાગી હતી. તેના ફળ સ્વરૂપે પંચકલ્યાણક પ્રતિષ્ઠાની અનેક પ્રકારની પૂર્વ તૈયારીઓ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી હતી.
પૂર્વ તૈયારી:
- સૌથી પહેલું સ્મરણ શ્રી બાહુબલી મુનીન્દ્રની વિશાળકાય પ્રતિમાના નિર્માણ અને મંગળ પર્વત આરોહણનું આપણે કરીએ. રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા શ્રી અશોક ગુડીકરની નિષ્ઠાપૂર્વકની અનેક મહિનાઓની જહેમત બાદ અત્યંત સુંદર ભાવવાહી બાહુબલી મુનિશ્વરની પ્રતિમા તૈયાર થઈ ગઈ અને કર્ણાટકથી એક વિશાલ ટ્રેઈલરમાં ૧૭ દિવસની યાત્રા કરતી, ગામે ગામ અનેક મુમુક્ષુઓને દર્શન-ભક્તિનો લાભ આપતી, મુમુક્ષુઓના અંતર ઊર્મિ જગાવતી, પૂજ્ય ગુરુદેવશ્રીની ભૂમિ પર સોનગઢ પહોંચી ગઈ.
- અતિ વિશાલ ક્રેન દ્વારા ઉન્નત પ્રતિમાને પર્વત ઉપર બિરાજમાન કરવાનું જાહેર કરતા જ ભક્તોના હૈયા હિલોળે ચઢ્યા. સુવર્ણપુરીમાં દર્શનાર્થીઓનો ધસારો વધી ગયો. જેઠ સુદ ૮, વી. સં. ૨૫૪૪, ૨૦-૦૬-૨૦૧૮ના રોજ બાહુબલી મુનીન્દ્રની પ્રતિમાજીને પર્વત ઉપર ખડ્ગાસન મુદ્રામાં સ્થાપિત કરવામાં આવી હતી. ૪૧ ફૂટ ઉન્નત ૧૫૮ ટન વજન ધરાવતી શ્રી બાહુબલી મુનીન્દ્રની પ્રતિમાને ૧૭૦ ટનના સ્ટીલના પાંજરાંમાં મૂકીને ૬૫૦ ટન અને ૩૦૦ ટન વજન ઊંચકી શકે તેવી બે મજબૂત ક્રેનથી ૫૦ ફૂટની ઊંચાઈ ધરાવતા કૃત્રિમ ડોમ પહાડ ઉપર સ્થાપિત કરવામાં આવી.