પરમ કૃપાનાથ તારણહાર પૂજ્ય સદ્-ગુરૂદેવશ્રીના કરકમળમાં વિ.સં. 1978(ઈ.સ.1922) વિધિની કોઈ ધન્ય પળે દિગંબર જૈનાચાર્ય શ્રીમદ્-ભગવત્કુંદકુંદાચાર્ય પ્રણીત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ આવ્યો. (પૂર્વ ભવના પ્રબળ સંસ્કારી એવા આ મહાપુરૂષને) તે વાંચતા જ હર્ષનો પાર ન રહ્યો. તેઓ જેની શોધમાં હતાં તે તેમને મળી ગયું. ત્યારથી સનાતન નિર્ગ્રંથ દિગંબર માર્ગ અંતરમાં સત્ય લાગતો હતો. અને બહારનો સાંપ્રદાયિક વેષ તથા આચાર અયોગ્ય પ્રતીત થતા હતાં. આ વિષમ સ્થિતિમાં અંતરની ઉલઝનો (અકળામણો) મટાડવા તેઓશ્રીએ વિ.સં.1991(ઈ.સ.1935) ચૈત્ર સુદી 13, મહાવીર જયંતીના શુભ દિવસે મંગળવારના રોજ બપોરે 1-15 વાગે નાનકડા સોનગઢ ગામના એકાકી ‘સ્ટાર ઓફ ઈન્ડીયા’ નામના મકાનમાં ‘મંગળ પરિવર્તન’ કર્યું. અર્થાત્ સંપ્રદાયના ચિહ્નનો ત્યાગ કરી ‘દિગંબર આમ્નાયનાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની’ પ્રતિમાના ફોટા સમક્ષ પોતાને ‘સાધક બ્રહ્મચારી’ ઘોષિત કર્યા. સંપ્રદાયના લોકોએ વિરોધની આંધી ઉઠાવી, પરંતુ આત્મસમર્પિત, નિડર તથા નિસ્પૃહ મહાત્મા અંતરબળે અડગ રહી પોતાની અંતરંગ સાધના કરતા રહ્યા. જેનાથી જબર્દસ્ત ક્રાંતિ ફેલાઈ ગઈ. સંપ્રદાયના હજારો ભક્તોની સભામાં ગર્જતા આ શૂરવીર સિંહે ‘સત્’ ને માટે સોનગઢના એકાંત સ્થાનમાં નિવાસ કર્યો.
પૂજ્ય ગુરૂદેવશ્રી ‘STAR OF INDIA’ માં લોકોની વસ્તીથી દૂર ‘જ્યાં લોકોની પગરવ પણ સંભળાય – એવી નીરવ શાંતિમાં.’ નિજ સ્વાધ્યાય – ધ્યાનમાં લીન રહેતા હતા. પરિવર્તન પહેલા પ્રવચન સાંભળવા આવતી હજારોની માનવ-મેદનીને સર્પકચુક્રિવત્ છોડી એકાન્તમાં સ્વાધ્યાય-ધ્યાન કરતા પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજીસ્વામીને જોવા જૂના ભક્તો આવવા લાગ્યા. “પ્રભુ-પ્રભુ” કહીને પોકારતા એવા ભક્તો માનતા કે તેઓશ્રીએ જે કર્યું હશે તે સત્ય જ હશે. ઘણા લોકો આ પવિત્રાત્માની વાણી સાંભળી પ્રશ્નો પૂછીને સંતુષ્ટ થઈ મધ્યસ્થ થઈ જતા હતાં તથા નમ્રતાથી તેમનાં મસ્તક ઝૂકી જતાં. આ પ્રકારે ઘણો જનપ્રવાહ સોનગઢ આવવા લાગ્યો. ભક્તોના પરમ આગ્રહથી પૂજ્ય ગુરૂદેવશ્રીએ એકવાર પ્રવચન આપવાનો આરંભ કર્યો. આ “STAR OF INDIA” માં આંટા મારતાં પૂજ્ય ગુરૂદેવશ્રી કહેતા કે “અહા ! એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એ વાતને કોણ માનશે ? આ સીસપેન (લાલ પેન્સિલ) થી અક્ષર લખાતા નથી એવું કોણ સાંભળશે ? ” તેના સ્થાને આજે હજારો મુમુક્ષુઓ દ્રવ્યની સ્વતંત્રતા ગ્રહણ કરતાં તૈયાર થઈ ગયા છે. તે પૂજ્ય ગુરૂદેવશ્રીની જ દેણ છે. એક નાની ટેકરી પર બનેલા નાનકડા બંગલા જેવું ઘર, જ્યાંથી ‘સ્વાનુભૂતિના મંગલનાદ’ ની ગર્જના થઈ, તે જાણે કે અનુભૂતિ તીર્થ ‘ભાવ સમ્મેદશિખર ધામ’ નું ઉદ્-ભવ ધામ ન હોય ! આ મકાનમાં પૂજ્ય ગુરૂદેવશ્રી ત્રણ વર્ષ, ત્રણ મહિના અને ત્રણ દિવસ સુધી રહ્યાં. આ ઐતિહાસિક સ્થળ જેમ હતું તેમ જ જાળવવામાં આવ્યું છે. આ સ્થાન મહા આદરણીય છે, કારણ કે અહીં થી જ લુપ્ત પ્રાયઃ જૈનધર્મનો અધ્યાત્મમાર્ગ વિ.સં.1991(ઈ.સ.1935) થી પુનઃ ઉદ્યોત થયો.
દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગમાંહી ગજાવનહારા, વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા. ગુરૂજી જન્મ (ધર્મ) તમારો રે…. જગતને આનંદ દેનારો…..