શ્રી જિનેન્દ્ર ધર્મવૈભવ – માનસ્તંભ

manstambh

શ્રી જિનેન્દ્ર ધર્મવૈભવ – માનસ્તંભ

પરમકૃપાળુ પૂજ્ય સદ્-ગુરૂદેવના પુનીત પ્રતાપથી વિ.સં.1991(ઈ.સ.1935) માં થયેલા પરિવર્તન બાદ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી હતી. સોનગઢ થી ‘સુવર્ણપુરી તીર્થધામ’ રચનાનું એક નવું ચરણ હતું, ‘જિનેન્દ્ર ધર્મવૈભવ માનસ્તંભ’. – સૌરાષ્ટ્રમાં પૂર્વે ક્યાંય જોવા નહોતો મળ્યો એવા ઉન્નત વિશાળ માનસ્તંભની રચનાનો નિર્ણય થયો. તે સમયે પરમપૂજ્ય ગુરૂદેવશ્રીનું 63મું વર્ષ હોવાથી માનસ્તંભ 63ફુટ ઉંચો બનાવવામાં આવ્યો.

વી.સં.2008(ઈ.સ,1952) મહાવીર જયંતીના દિવસે ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના પવિત્ર કરકમળોથી શિલાન્યાસનું મંગળ મુહુર્ત થયું. કલ્યાણકારી પૂજ્ય ગુરૂદેવશ્રીની મંગલ ઉપસ્થિતિમાં આ કાર્ય અતિ પ્રસન્નતા તથા જયઘોષોથી સંપન્ન થયું, જાણે કે દશે દિશાઓ ગૂંજી ઊઠી. થોડાક જ દિવસોમાં ઉપર નીચેના (આઠ) જિનબિંબોનું આગમન થયું. શ્રીમત્ કુંદકુંદાચાર્યની વિદેહની યાત્રા તેમ જ સમવસરણ વાળા ચિત્રની સ્થાપના પણ તે સમયે પૂજ્ય બહેનશ્રીના મંગળ કરકમળોથી થઈ.

પૂજ્ય ગુરૂદેવશ્રી કહેતા હતા કે “આ માનસ્તંભ એટલે કે કોઈ કીર્તિસ્તંભ નથી પરંતું ભગવાનના સમવસરણના ચારે દરવાજામાં જે માનસ્તંભો હોય છે તેનું આ પ્રતીક છે. આ ભવ્ય સ્તંભને જોઈને માનીનાં માન ગળી જાય છે, તેથી તેને માનસ્તંભ કહેવાય છે.” તદુપરાંત તેઓશ્રી ફરમાવતા કે આને ધર્મધ્વજ, ધર્મવૈભવ અથવા ધર્મસ્તંભ પણ કહે છે. દૂરથી જાણે કે ભક્તોને આહ્વાન કરતો હોય કે “આવો..આવો..હે ભગતજનો ! ભવકલાંતના વિશ્રામનું આ અતુલધામ છે.”

માનસ્તંભ બનાવવા માટે ટૂકો ભરી-ભરીને સામાન આવતો હતો. ભક્તજનો આનંદથી ઝુમતા હતા. વિ.સં.2009(ઈ.સ.1953) ત્યારે પ્રતિષ્ઠા મહોત્સવનો શીતળ-મીઠો વાયુ વહેવા લાગ્યો ! શું તે ભવ્ય માનસ્તંભ શું તે મંગલ મહોત્સવ ! જાણે તે સાક્ષાત્ ભગવાનનાં પંચકલ્યાણક જ ન હોય ! વિધિનાયક નેમિનાથ ભગવાન હતા. આહારદાનનો લાભ પૂજ્ય બહેનશ્રી બેન મળ્યો હતો, પરંતું પૂજ્ય ગુરૂદેવશ્રીની પાવન નિશ્રામાં બધાએ લાભ લીધો.

પંચકલ્યાણક સમયે કહાન-નગરની રચના કરવામાં આવી હતી, નાનકડા સોનઞઢમાં 5000 અતિથિ પધાર્યા હતા. ભવ્ય પ્રતિષ્ઠા મંડપ તેમ જ વિભિન્ન નગરોની રચના કરવામાં આવી હતી. ચારે દિશામાં જય જયની મંગલ ધ્વનિ સાથે પરમ તારણહાર પૂજ્ય ગુરૂદેવશ્રીએ વીતરાગી ભગવંતોની મંગળ સ્થાપના કરી. પૂજ્ય ગુરૂદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રી બેન દરરોજ ભક્તિ કરતા હતાં. અહા ! ધન્ય તે અવસર !

મંચ પરથી એવું લાગતું હતું કે જાણે પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી તથા પૂજ્ય માતાજી સાથે આપણે પણ ભગવાનના સમવસરણમાં ન બેઠા હોય ! નીચેથી બધા ભક્તો ભક્તિ કરતા હતાં. તે સમયે પંડિત શ્રી હિમ્મતભાઈ માનસ્તંભની નવી સ્તુતિ રચીને લાવ્યા હતા.

સુવર્ણપુરે સ્વાધ્યાયસુમંદિર, જિનગૃહ ગુરૂજી લાવ્યા.. સમવસરણ, પ્રવચનમંડપ, જિનધર્મવિભવ લહરાયા..