સ્વાનુભૂતિતીર્થ સુવર્ણપુરી (સોનગઢ)

songadh

સ્વાનુભૂતિતીર્થ સુવર્ણપુરી (સોનગઢ)

ભારતદેશના સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક સુંદર, રમણીય ગ્રામ છે. જે ‘સોનગઢ’ નામથી પ્રસિદ્ધ છે. વર્તમાનકાળના અધ્યાત્મવિદ્યાના ઉત્કૃષ્ટ જ્યોતિધર પૂજ્ય સદ્-ગુરૂદેવશ્રી કાનજીસ્વામીની આ સાધનાભૂમિ છે. વિ. સં. 1991(ઈ.સ.1935)માં પૂજ્ય સદ્-ગુરૂદેવશ્રી અહીં પધાર્યા અને દિગંબર-જૈનધર્મનો વિજય ધ્વજફરકાવ્યો. અહીંથી સ્વાનુભૂતિપ્રધાન યથાર્થ મોક્ષમાર્ગ પ્રકાશિત થયો. ઉત્તરોત્તર અહીં સ્વાધ્યાયમંદિર, વિદેહક્ષેત્રના સીમંધરભગવાનનું મંદિર, સીમંધર ભગવાનનું સમવસરણ, માનસ્તંભ, પ્રવચનમંડપ, પરમાગમમંદિર, તથા નંદીશ્વરજિનાલયની રચના થઈ છે. સ્વાધ્યાયમંદિર તેઓશ્રીના નિવાસ તથા પ્રતિદિનના પ્રવચનકક્ષરૂપે બન્યું છે, અહીંથી જ પૂજ્ય ગુરૂદેવે “દ્રવ્યની સ્વતંત્રતા” અને ‘જ્ઞાયકની વિશુદ્ધતા’ નો સંદેશ દેશ-વિદેશમાં પ્રસારિત કર્યો છે. લોકો હજારોની સંખ્યામાં સોનગઢ આવવા લાગ્યા છે.

સ્વાત્માનુભવી બહેનશ્રી ચંપાબેનના જાતિસ્મરણ જ્ઞાને પરમપૂજ્ય ગુરૂદેવીનું ભાવિ તીર્થંકરત્વ પ્રસિદ્ધ કર્યું. આજે અહીં કાયમી વસવાટ કરનારા મુમુક્ષુઓની સંખ્યા મોટી છે. તથા બહારના હજારો યાત્રીઓ દર્શનાર્થે સતત આવતા રહે છે, અને સોનગઢથી પ્રસારિત તત્વજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે. અન્ય મતમાં આવે છે કે જેમ, “સ્વતઃ પ્રમાણં પરતઃ પ્રમાણં” એવું બોલતો પોપટ જે ઘરના આંગણામાં હોય તે શંકરાચાર્યનું ઘર, તેમ જ્યાં અબાલ વૃદ્ધ “ચૈતન્ય-ચૈતન્ય”ની ચર્ચા કરતા હોય, જેનો કણ-કણ ‘પુરૂષાર્થ પુરૂષાર્થ’ની પ્રેરણા આપતો હોય તે કાનજીસ્વામીનું સોનગઢ !

પૂજ્ય ગુરૂદેવશ્રીના હૃદયની પ્રત્યેક ધબકાર ‘સત્-સત્’ ‘જ્ઞાન-જ્ઞાન’ જ ધબકતો રહ્યો, હું એક ‘સત્’ પદાર્થ છું, મારૂં જ્ઞાનરૂપી ‘સત્’ બધાથી જદું છે. એવું આદર્શ જેમનું જીવન હતું, તથા તે જોર સાથે નિકળતી તેઓશ્રીની વજ્રવાણીથી કાયરોનાં હૃદય તો કંપી ઉઠતાં, પરંતું ભાવ્યાત્માઓના મિથ્યાત્વનો નાશ થઈ જતો, અને મુક્તિ પ્રાપ્તિમાં અસાધરણ નિમિત્ત બનતી.

સોનગઢ ગામ ‘સુવર્ણપૂરી તીર્થધામ’ બની ગયું. જ્યાં પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજીસ્વામી તથા તદ્-ભક્ત સ્વાત્માનુભવી પ્રશમમૂર્તિ બહેનશ્રી ચંપાબેને વર્ષો સુધી નિવાસ તથા સાધના કરી, તથા અનુભવભીની વાણી વર્ષાવી, આવી ગુરૂદેવશ્રીથી શોભિત અને પાવન થયેલી આ સુવર્ણનગરી ધન્ય છે, સ્વાધ્યાયમંદિર ધન્ય છે. ગુરૂદેવશ્રી પરમપુરૂષ હતા. તેમની વાણી ચૈતન્યને જગાડવાવાળી હતી, તેઓના ચૈતન્યની તો શું વાત ! તેમની પવિત્રતા તથા પૂણ્યની શોભા જુદા જ પ્રકારની ! જ્યાં મહાપુરૂષો વસે અને વિચરણ કરે તે ભૂમિ તીર્થ સ્વરૂપ છે. ગુરૂદેવે સોનગઢનો કણ-કણ પાવન કર્યો, વર્ષો સુધી અહીં નિવાસ કર્યો તેથી આ ભૂમિ પાવન તીર્થ છે.

પરપોકારી પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજીસ્વામી તથા તદ્-ભક્ત ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ધર્મસાધનાથી સુવર્ણપુરી ધામ ‘તુ પરમાત્મા છે’. ‘તું ભગવાન આત્મા છે’ આદિ ગુરૂવાણીના નાદોથી સદા ગુંજતુ રહે છે. આત્મપ્રાપ્તિની ભાવનાની મુખ્યતા પૂર્વક જિનમંદિરોમાં પૂજા, ભક્તિ વગેરે કાયમ થતાં રહે છે. દર વર્ષે 12 મોટી વિધાનપૂજાઓ કરવામાં આવે છે. દશલક્ષણ પર્વ ત્યાર બાદ અષ્ટાહ્નિકા તથા દિપાવલી વગેરે પર્વો તે તે પર્વની વિધાન પૂજાઓ સહ ઉજવવામાં આવે છે. તદ્ઉપરાંત પૂજ્ય ગુરૂદેવ તથા પૂજ્ય બહેનશ્રીના જન્મ જયંતી મહોત્સવો, પૂજ્ય બહેનશ્રીની સમ્યક્ત્વ જયંતિ મહોત્સવ વિશેષ આયોજનો પૂર્વક અતિઉલ્લાસથી ઉજવવામાં આવે છે. તથા પ્રસંગોપાત જિનેન્દ્ર રથયાત્રાઓનું આકર્ષણ તો અલગ જ હોય છે. આ સર્વે ઉત્સવોમાં ભાગ લેવા હજારો મુમુક્ષુઓ સોનગઢ આવી નિજકલ્યાણકારી ગુરૂવાણી સાંભળી ધન્યતાનો અનુભવ કરે છે. વર્ષમાં ત્રણવાર ધાર્મિક શિક્ષણશિબિરોનું આયોજન થાય છે, જેમાં અનેક શાસ્ત્રોનાં રહસ્યો જે પૂજ્ય ગુરૂદેવશ્રીએ ઉદ્ઘાદિત કર્યાં છે તે સમજાવવામાં આવે છે.

સોનગઢમાં આવાસ તથા ભોજન માટે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલ છે. પૂજ્ય ગુરૂદેવશ્રીનાં પ્રવચનોની સી.ડી. તથા લાખો શાસ્ત્રો – મૂળશાસ્ત્રો તથા પ્રવચન સાહિત્ય અતિ અલ્પ મુલ્યે વેચાણ વિભાગમાંથી સદા મળતાં રહે છે.

તો આપ પણ સુવર્ણપુરી તીર્થધામમાં નિજ કલ્યાણ હેતુ પધારી અવશ્ય લાભ મેળવો.

અનુભૂતિ તીર્થમહાન, સુવર્ણપુરી સોહે, યહ કહાનગુરૂ વરદાન મંગલ મુક્તિ મિલે.