સીમંધરસ્વામી જિનમંદિર

Simandharswami jinmandir

સીમંધરસ્વામી જિનમંદિર

વિ.સં.1995(ઈ.સ.1939)માં પૂજ્ય ગુરૂદેવશ્રીએ શત્રુંજય સિદ્ધિધામની યાત્રા સંઘ સહિત કરી. અધ્યાત્મ જીવંત તીર્થ પૂજ્ય સદ્-ગુરૂદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના હૃદયમાં એવી ભાવના થઈ કે ‘અરે ! અમને સાક્ષાત્ ભગવાનનો તો વિરહ, પરંતુ જિનપ્રતિમા-વીતરાગી ઉપશાંત મુદ્રાના દર્શન પણ નહીં !’

તે સમયે અમીરસ્વભાવી શ્રી નાનાલાલભાઈ જસાણી ઉપસ્થિત હતા, તેઓએ દેવ-ગુરૂના ભક્તિભીની હૃદયથી સોનગઢમાં જિનમંદિર બનાવવાની ભાવના વ્યક્ત કરી. પૂજ્ય ગુરૂદેવશ્રીએ સમ્મતિ આપી.

જિનેન્દ્ર મંદિરના નિર્માણનો શુભારંભ થયો. પૂજ્ય ગુરૂદેવશ્રીએ સ્વયં વસુનંદી પ્રતિષ્ઠાપાઠ વાંચી, બહેનશ્રી-બેનને આદેશ આપ્યો કે જયપુર જાઓ અને પ્રતિમા લઈ આવો, તથા યથાયોગ્ય દરેક પ્રકારની સુચનાઓ આપી.

એક શિલ્પકારની દુકાનમાં અત્યારે જિનમંદિરમાં બિરાજિત છે તે પ્રમાણે જ ત્રણ ભગવાન વિરાજતા હતાં. પૂજય બહેનશ્રીને તે જોતાં જ ઘણી પ્રસન્નતા થઈ. વીતરાગ ભાવવાહી, પ્રશાંત સૌમ્ય મુદ્રા જોઈને શિલ્પીને કહ્યું કે “શુદ્ધ દિગંબર આમ્નાયની આ જ પ્રતિમાઓ અમારે લઈ જાવી છે.” તે ટ્રેનમાં જોડે સાથે જ લઈને સોનગઢ આવ્યાં.

પરમ કૃપાળુ પૂજ્ય ગુરૂદેવશ્રીને વહેલી સવારે આભાસ થયો કે ત્રણ લાઈટ આવી રહી છે. તેઓશ્રીએ ભક્તોને કહ્યું કે “જાઓ સ્ટેશન પર સ્વાગત કરો! ત્રણ ભગવાન આવી રહ્યાં છે.” પૂજ્ય માતાજી ટ્રેનમાંથી ઉતરતાં જ આશ્ચર્યાન્વિત થયાં ! ભક્તોએ કહ્યું “અમે પૂજ્ય ગુરૂદેવશ્રીના આદેશથી આવ્યા છીએ.” ‘પ્રભુ પધાર્યા, પ્રભુ પધાર્યા’ સુવર્ણપુરીના ભક્તોની જિન દર્શનની ઉગ્ર ભાવના સાકાર થઈ. ભગવાનની પેટી ખુલતાં જ પૂજ્ય ગુરૂદેવશ્રીના મુખેથી “આહાહા ! ઉદ્ગાર સરી પડ્યા. ભગવાને તો અમને ન્યાલ કરી દીધા !” તેઓશ્રી ભક્તિભાવથી સ્તબ્ધ થઈ ગયા અને નયનોમાંથી હર્ષાશ્રુની ધારા વહેવા લાગી !

હજુ પ્રતિષ્ઠાની તો તૈયારીઓ ચાલતી હતી, જ્યારે પૂજ્ય ગુરૂદેવશ્રી તો વારંવાર ભગવાનની સમીપ બેસી ગાતાં….

“અમીયભરી મૂર્તિ રચીરે, ઉપમા ન ઘટે કોય શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય.. સીમંધરજિન દિઠા લોયણ આજ….”

બહારથી કોઈ પણ આવે તો તેને પૂજ્ય ગુરૂદેવશ્રી હાથ પકડીને લઈ જતા અને કહેતા “ચાલો ! મારા ભગવાન બતાવું, તમે જોયા ? મારા ભગવાનને જોયા ?” એવા હર્ષોલ્લાસથી ભગવાન બતાવતા. પોતે પણ વારંવાર મુદ્રા નિહાળતા, જાણે કે તેમને સાક્ષાત્ ભગવાન જ ન મળ્યાં હોય તેવું લાગતું ! પૂજ્ય ગુરૂદેવશ્રી પ્રભુને અશ્રુભીની નજરોથી નિહાળતાં જાણે કહેતા કે “હે ભગવાન ! આપના વિરહમાં આપની સ્થાપના કરી અમે વિરહ દુઃખ ભૂલાવીશું.”

વિ.સં.1997(ઈ.સ.1941) મહાવદી 11 થી ફાલ્ગુન સુદી બીજ સુધી પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો અઠ્ઠાઈ મહોત્સવ ઉજ્વવામાં આવ્યો. ભક્તોને અપૂર્વ ઉલ્લાસ હતો. જાણે કે પ્રભુના સાક્ષાત્ કલ્યાણકો જ ન ઉજ્વાઈ રહ્યાં હોય ! પ્રતિષ્ઠા મહોત્સવના સમયે પૂજ્ય ગુરૂદેવશ્રીનાં પ્રવચનો પણ વીતરાગી પ્રભુના મિલનની ધુનથી ભરપુર આવતાં હતાં.

પ્રથમવાર પ્રતિષ્ઠા ! ભક્તજનો અત્યંત પ્રમુદિત હતાં. જીવનમાં ભગવાનું મિલન થવાથી અત્યંત પ્રચુર ભાવનાઓથી યુક્ત અદ્ભૂત દૃશ્યો સર્જાતાં. વિ.સં.1993(ઈ.સ.1937)માં પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના સ્મરણાજ્ઞાનમાં વિદેહનાં સીમંધર ભગવાન આવી ગયા હતા. તેથી જિનમંદિરમાં મૂળનાયક સીમંધર ભગવાન પધારતાં ભક્તોના ઉલ્લાસનું શું કહેવું ? જિનમંદિરમાં સીમંધર ભગવાન, શાંતિનાથ ભગવાન, તથા પદ્મપ્રભ ભગવાનની સંગમરમરની મોટી પ્રતિમાઓ છે. નીચે ધાતુના આદિનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન સ્ફટિકમણિના છે. ચાંદીનાં સિંહાસન, ભામંડલ, ચામર તથા છત્રત્રયથી મંદિર અતિ સુશોભિત છે.

ભક્તોનો પ્રવાહ સોનગઢ તરફ વધી રહ્યો હતો. થોડા જ વર્ષોમાં ભક્તોએ ફરીથી વિ.સં.2013(1957)માં મંદિરનું વિસ્તૃતિકરણ કર્યું. તે સમયે પૂજ્ય ગુરૂદેવશ્રીને 68મું વર્ષ ચાલી રહ્યું હોવાથી તેની સ્મૃતિમાં જિનમંદિરની ઊંચાઈ 68 ફુટ રાખવામાં આવી હતી. જિનવેદીની ઉત્તરે શાંતિનાથ ભગવાનના પૂર્વભવનું, પૂજ્ય ગુરૂદેવશ્રીની સસંઘ સમેમ્દશિખરજીની યાત્રાનું, મહાવીર ભગવાનનું, સાત ઋષિનું તથા નમિનાથ ભગવાનનાં ચિત્રો છે. પૂર્વમાં આદિનાથ ભગવાનના પૂર્વભવ, જમ્બુસ્વામી, દેવકીના ઘરે પુત્રો/મુનિઓને આહારદાનનું ચિત્ર છે. દક્ષિણમાં પૂજ્ય ગુરૂદેવશ્રીના પ્રભાવથી તે સમયે નિર્મિત કેટલાંક જિન મંદિરો, રામચંદ્રજી દેશભૂષણ-કુલભૂષણ મુનિરાજો સાથે, સીમંધર ભગવાનનું દિક્ષા કલ્યાણક, પૂજ્ય ગુરૂદેવશ્રી કેટલાક આચાર્યોનાં શાસ્ત્ર વાંચતાં, તથા સિદ્ધવરકુટમાં પૂજ્ય ગુરૂદેવશ્રીનો નૌકાવિહાર ચિત્રિત છે. જિનમંદિરમાં નિજમંદિરના દ્વાર પર સુવર્ણની સુંદર કોતરણી તથા ઓમ બિરાજે છે. ઉપરની વેદીમાં નેમીનાથ ભગવાનની શ્યામ પ્રતિમા બિરાજે છે, જે અતિરમ્ય છે, ઉપરથી માનસ્તંભ ભગવાન શેત્રુંજય-શિખર તથા આખા પરિસરનું દૃશ્ય દેખાય છે.

સાતિશય જિનવર મંદિર હૈ, દિવ્યમૂરતિ સીમંધર જિનકી, જિનકે દર્શનકર જગ પ્રાણી, આતમ શાંતિ સુખ પાતે હૈં.