શ્રી સમવસરણમંદિર

Temple

શ્રી સમવસરણમંદિર

વિ.સં. 1997(ઈ.સ.1941) સુવર્ણપુરીના જિનમંદિરમાં શ્રી સીમંધરાદિ જિનભગવંતોની પ્રતિષ્ઠા બાદ બીજા જ વર્ષે ભક્તો દ્વારા સમવસરણની રચના કરવામાં આવી. વિ.સં.1998(ઈ.સ.1942)ના વૈશાખ વદ-6ના રોજ સમવસરણ જિનમંદિરમાં ચતુર્મુખી સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી.

આ પ્રસંગે ભગવાન પછી સભામાં કુંદકુંદાચાર્યદેવની પ્રતિમા સ્થાપવામાં આવતાં, ભક્તોને એમ લાગતું હતું કે સાક્ષાત્ સીમંધર ભગવાનના સમવસરણમાં કુંદકુંદ ભગવાન કેવા લાગતાં હશે ? જેમણે સાક્ષાત્ જોયા હશે તેમને કેટલો ઉલ્લાસ આવ્યો હશે ?

પ્રથમ ધુલિશાલ કોટ, પછી મંદિર ભૂમિ, દ્વિતીય ખાઈ ભૂમિ, ત્રીજી પુષ્પવાટિકા, ચોથી કલ્પવૃક્ષભૂમિ, પાંચમી ધ્વજભૂમિ, છઠ્ઠી વનભૂમિ, સાતમી સ્તૂપભૂમિ તથા આઠમી સભાભૂમિ, આ પ્રકારે આઠ ભૂમિઓ અતિ મનોહર છે. વચ્ચે વચ્ચે રત્નોના સ્તંભો, મણિની દિવાલો તથા સોના-રૂપાના ગઢ બનેલા છે. મંદિરની દિવાલો પર સંગમરમર પર સમવસરણ સ્તુતિ આલેખિત કરવામાં આવી છે. જે પંડિત શ્રી હિમ્મતલાલ જે શાહે બનાવી છે. જેના પર પૂજ્ય ગુરૂદેવશ્રીએ પ્રવચનો આપ્યા હતા, તથા “રે….રે.. સીમંધર જિનના વિરહા પડ્યા આ ભરતમાં” આ પંક્તિ આવતાં પૂજ્ય ગુરૂદેવશ્રીના નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

સમવસરણની દિવાલો પર ચાર સુંદર ચિત્ર અંકિત છે. (1) શ્રી કુંદકુંદ ભગવાનની દીક્ષા તથા આચાર્ય પદવી (2) શ્રી સીમંધર ભગવાનનાં ચાર કલ્યાણક, (3) શ્રી કુંદકુંદ ભગવાનના વિદેહગમન તથા ચક્રવર્તીનો પ્રશ્ન, તથા “રાજકુમાર તીર્થંકર થશે” એવી પ્રભુની ધ્વનિ (4) પૂજ્ય ભગવતી માતાનું સમ્યગ્દર્શન તથા ભાઈ સાથે વાર્તાલાપ. સમવસરણની પ્રત્યેક પ્રતિષ્ઠાની માસિક તિથિ પર પૂજ્ય માતાજી (બહેનશ્રી ચંપાબેન) ભક્તિ કરાવતાં હતાં ત્યારે પૂજ્ય ગુરૂદેવશ્રી પણ સમવસરણની અંદર બેસી ભક્તિ કરાવતા હતા. તે દૃશ્ય અદ્-ભૂત હતું,

અહો ! પૂજ્ય ગુરૂદેવશ્રીનો પરમ પ્રતાપ કે વિદેહી સમવસરણનું દૃશ્ય ભરતમાં આવ્યું ! બધી રચનાઓ પૂજ્ય બહેનશ્રીએ આગમ અને જાતિસ્મરણ જ્ઞાનના આધારે કરાવી છે.