ભારતવર્ષનાં જૈન તીર્થોની યાત્રા સમયે નવાં-નવાં જિનમંદિરોનાં નિર્માણ તથા પંચકલ્યાણક પ્રતિષ્ઠાઓ તેમજ લાખો લોકોમાં ગુરૂવાણીના પ્રચાર દ્વારા પૂજ્ય ગુરૂદેવશ્રીનો લોકોત્તર પ્રભાવનાયોગ અતિ દેદીપ્યમાન થઈ રહ્યો હતો. દેશ અને વિદેશોથી આવેલા ભવ્યજીવોનો મેળો જામી ગયો હતો. એવા સમયે પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીનો 80મો જન્મ મહોત્સવ મુંબઈ શહેરમાં ઉજવવામાં આવ્યો. ભક્તોને સુવર્ણપુરીમાં એક અતિ ભવ્ય પરમાગમમંદિર રચવાની ભાવના થઈ તથા ભવ્ય સમારોહ પૂર્વક શિલાન્યાસ વિધિ થઈ.
પૂર્વે પરમકૃપાળું પૂજ્ય ગુરૂદેવશ્રી જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે સ્વપ્નમાં આકાશેથી સંગમરમરના જિનવાણી લિખિત પાટીયાં ઉતરી રહ્યાં હોય એવાં દૃશ્ય દૃશ્યમાન થતાં હતાં. જાણે કે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું હોય ! શ્રીસમયસારાદિ પાંચ પરમાગમને સંગમરમરના પટ્ટો (પાટીયાં) પર ઉત્કીર્ણ કરાવીને દિવાલો પર લગાવવાનો તથા ચાર લાખ અક્ષરો સુવર્ણથી લખાવવાનો નિર્ધાર થયો.
પરમાગમમંદિરની રચના માટે શ્રી પંડિત હિમ્મતભાઈ, ભાઈશ્રી વજુભાઈ, શ્રી ચિમનલાલ મોદી જુદા-જુદા સ્થળોનાં જૈન-જૈનેતર મંદિરો જોવા ગયા હતાં, આ કક્ષમાં કેટલા શીલા પટ્ટ લાગશે, કેટલા પટ્ટોમાં કેટલી ગાથાઓ આવશે, કેટલા અક્ષરો લખવામાં આવે, આ રીતે પુરા શાસ્ત્રો આવી જાય તે પ્રકારનું ગણિતનું કાર્ય પંડિતજી હિમ્મતભાઈ પોતાની બુદ્ધિમતા તથા ભક્તિથી કર્યું હતું. પરમાગમનો સુવ્યવસ્થિતપણે લખવા માટે ગણિતનું સંપૂર્ણ કામ તેમણે જ કર્યું હતું. ટ્રસ્ટના વર્તમાન પ્રમુખશ્રી હસમુખભાઈ વોરાની ભાવનાના ફળસ્વરૂપે ઈટાલીથી મશીન આવ્યું અને આ સર્વે શિલાપટ્ટો સોનગઢમાં જ ઉત્કીર્ણ કરવામાં આવ્યાં. પ્રથમ પટ્ટ પર ‘ૐ’ કોતરાવવામાં આવ્યો. જિનવાણી પ્રત્યે શ્રદ્ધા ભક્તિથી જેમનું હૃદય સમર્પિત છે એવા પૂજ્ય ગુરૂદેવશ્રી વારંવાર ઉત્કીર્ણ કરવાના કામને જોવા જતા હતા. પ્રત્યેક સમયે જ્યારે જ્યારે નવો અધિકાર ટંકોતીર્ણ કરવાનો પ્રારંભ થતો ત્યારે ઉત્સવ જેવું વાતાવરણ થઈ જતું હતું.
અહો ! ભગવાન કુંદકુંદાચાર્યદેવના પરમ ભક્ત પૂજ્ય ગુરૂદેવશ્રી જેમણે સીમંધર-કુંદકુંદ મિલન નજરે નિહાળ્યું હતું તથા તે ઉભય પ્રત્યે ઊપકાર ભીની ભાવનાના ફળ સ્વરૂપે આ શ્રીકુંદકુંદ ભગવાનની ગાથા રચિત પટ્ટો નિરખતાં પૂજ્ય ગુરૂદેવશ્રી તથા પૂજ્ય ભગવતીમાતા હર્ષવિભોર થઈ જતાં હતાં. પૂજ્ય બહેનશ્રીએ તો હૃદયની ઉંડી ભાવના સાથે ઉદાર મનથી પોતાની બધી જ મુડી જિનવાણી કોતરાવવામાં અર્પણ કરી દીધી. અહા ! ભગવતી માતા ચંપાબહેનની દેવ-શાસ્ત્ર-ગુરૂ પ્રત્યે કેટલી ભક્તિ અને અર્પણતા !
પરમકૃપાનાથ પૂજ્ય ગુરૂદેવશ્રી નિર્માણકાર્યની મંગળવિધીઓ પૂજ્ય ભગવતી માતાના હાથે જ કરાવતા હતા. ભક્તજનોના હર્ષ નાદોથી આખું પરિસર ગુંજી ઉઠતું હતું. પરમાગમમંદિરની દિવાલો પર શ્રી સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર તથા અષ્ટપાહુડ ઉત્કીર્ણ કરાવવામાં આવ્યાં છે. વચ્ચે વચ્ચે પૂરાણોના પ્રસંગોની ચિત્રાવલી પણ કોતરાવવામાં આવી છે. શ્રી મહાવીર ભગવાનની જીવન કથા તથા ભવાવલિ, શ્રી નેમિનાથ ભગવાન તથા શ્રી આદિનાથ ભગવાનની ભવાવલિ કોતરાવવામાં આવી છે. સાથે સાથે અનેક તીર્થો તથા અન્ય તીર્થંકરોના વૈરાગ્યના પ્રસંગો, વિદેહક્ષેત્રના વીસ તીર્થંકરો અને આચાર્યોનાં ચિત્રો ઉત્કીર્ણ કરાવવામાં આવ્યાં છે. નીચે આચાર્ય કુંદકુંદ ભગવાનનાં ચરણ ચિન્હ સ્થાપવામાં આવ્યા છે. ભગવાનની ૐ ધ્વનિની પણ સ્થાપના થઈ છે. અહો ! બહેનશ્રી ચંપાબેનની સાધના ધન્ય હો ! જેઓએ સ્વયંની આરાધના કરતાં કરતાં પોતાના કહાન ગુરૂદેવની સાધના ભૂમિને પણ મૂર્તદેહ દેવાની કેવી ઉત્કૃષ્ટ ભાવના ભાવી તથા પરમ ભક્તિસહ માર્ગદર્શન પણ આપ્યું.
પૂજ્ય બહેનશ્રીનું માર્ગદર્શન તો અદ્-ભૂત હતું જ પરંતું તેમના મોટાભાઈ વજુભાઈએ પોતાના એંજીનીયરીંગ કૌશલ્યથી એક અનુઠું મંદિર બનાવ્યું. તે સમયે ઘણા લોકો કહેતા કે આ તો Masterpiece છે. સાધકોની આગમ ઉત્કીર્ણ કરાવવામાં કેવી શ્રદ્ધા, ભક્તિમય અર્પણતા ! તે અહીં જ જોવા મળે છે. તેનાથી પૂજ્ય ગુરૂદેવશ્રીની તપોભૂમિ એક ઉત્તમ તીર્થ બની ગઈ.
પ્રતિષ્ઠા મહોત્સવ પણ કોઈ અચિંત્ય હતો. પરમ પૂજ્ય ભગવાન શ્રી મહાવીરસ્વામીના 2500મો નિર્વાણ મહોત્સવના પ્રતીકરૂપ વીર વિ.સં.2500 વિ.સં.2030 (ઈ.સ.1994) ફાલ્ગુન શુક્લા 13ના શુભ દિવસે પ્રતિષ્ઠાનું મુહુર્ત હતું. ભવ્ય કુમકુમ પત્રિકા લખવામાં આવી. આ પ્રસંગે પણ સહજ જ મોટો મહોત્સવ થઈ ગયો.
કેશર કુમ-કુમ રે, રત્નો વર્ષે સુવર્ણપુરી મોઝાર,
આવ્યા આવ્યારે, પ્રતિષ્ઠા મહોત્સવ સુવર્ણપુરીને દ્વાર..
પત્રિકાઓ મોકલવામાં આવી, દેશ-વિદેશથી 25 હજાર ભક્તજનો સુવર્ણપુરી પધાર્યા. પરમ કૃપાનાથ સદ્-ગુરૂદેવ સિંહ ગર્જના સાંભળી ભરતના ભક્તજનો ન્યાલ થઈ જતા હતા. મહાવીર લઘુનંદનની જય-જયકાર સાથે પ્રતિષ્ઠા મહોત્સવ અતિ સુંદર સંપન્ન થયો.
પરમાગમમંદિર અદ્-ભૂત હૈ, પ્રભુ મહાવીરકી મૂરતિ હૈ,
કુંદકુંદ ચરણ અભિરામ બને, પંચ પરમાગમ શ્રુત મંદિરમેં.