‘સ્ટાર ઓફ ઈન્ડીયા’ માં પૂજ્ય ગુરૂદેવશ્રીનો નિવાસ એક જીવંત તીર્થ સમાન બની ગયો અનેકાનેક ભક્ત સમૂહો આવવા લાગ્યા. પ્રવચન સમયે જગ્યા ઓછી પડવા લાગી. તેથી ભક્તોએ એક નવીન હોલ (કક્ષ) બનાવડાવ્યો. ભક્તગણ આ કક્ષનું શું નામ રાખવામાં આવે ? એ વિષે વિચારતા હતાં, તે સમયે પૂજ્ય ગુરૂદેવશ્રીએ કહ્યું કે “આ સ્વાધ્યાય કરવા માટે છે તેથી સ્વાધ્યાયમંદિર નામ રાખો !”
ભક્તોએ પૂજ્ય ગુરૂદેવશ્રીને તેમાં પધારવા જ્યારે પ્રાર્થવા કરી ત્યારે ‘સત્’ના પ્રેમી, અત્યંત નિસ્પૃહ, નિરાગી એવા તે મહાત્માએ કહ્યું કે “કઈ ક્ષણે વૈરાગ્યની ધૂનમાં હું જંગલમાં ચાલ્યો જાઉં તે ખબર નથી, મારે મઠના રૂપે આને સંભાળવું નથી. ત્યારે ભક્તોએ અશ્રુભીના હૃદયથી અત્યંત નમ્રતાથી પ્રાર્થના કરી કે “પ્રભુ ! આમ ઈચ્છો ત્યાં સુધી જ રહેજો પરંતું અમારી ભાવના પૂરી કરો.” ભક્તજનોની ભાવના પુરી થઈ.
સોનગઢનો આ પ્રથમ મંગળ પ્રસંગ હતો. પરમ કૃપાનાથ પૂજ્ય ગુરૂદેવશ્રીના આદેશથી આ સ્વાધ્યાયમંદિરના ‘ગોખ’માં પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના કરકમળોથી શ્રી પરમાગમ સમયસાર બિરાજમાન કરાવવાનો નિર્ણય થયો. 25’ x 50’ નું સ્વાધ્યાયમંદિર એવું લાગતું હતું જાણે કે તરતી સ્ટીમર ! ભક્તોએ તેને ખૂબ સજાવ્યું હતું. સજાવટનું દૃશ્ય ઉપર બગીચો હોય તેવું લાગતું હતું. આખા કક્ષની દિવાલો પર સૂત્રો લખ્યાં હતાં, જે પંડિતરત્ન શ્રી હિમ્મતભાઈ સુરતથી કાપડ પર લખીને લેતા આવ્યા હતા. ભક્તો થોડાક દિવસ પહેલાંથી જ સ્વાધ્યાયમંદિર પાસે નાના-નાના ધ્વજ લઈ પ્રભાતફેરી દ્વારા ભક્તિ કરતા હતાં. “સુરેન્દ્રો ઉતરો ગગનના આજ સુવર્ણના સ્વાધ્યાય મંદિરમાં.” વૈશાખ વદ-8 વિ.સં.1994 (ઈ.સ.1938)નાં મંગળ દિવસે ભક્તો ‘સ્ટાર ઓફ ઈન્ડીયા’ થી પૂજ્ય ગુરૂદેવશ્રીને વિનંતી કરી લઈ આવ્યા, વચ્ચેથી બહેનો પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના કરકમળોમાં ચાંદીના થાળમાં શ્રી સમયસાર શાસ્ત્ર રાખી સામેલ થયાં. ધૂમધામથી ભક્તિ કરતાં કરતાં સ્વાધ્યાયમંદિરે પહોંચ્યા. પૂજ્ય બહિનશ્રી દ્વારા શ્રીસમયસારજીની સ્થાપના થઈ. શ્રી સમયસાર શાસ્ત્રની મંગલ સ્થાપના બ્રહ્મચારી શીતલપ્રસાદજીએ પ્રતિષ્ઠાવિધિ સહિત કરાવી. આ સમયે પ્રવચનમાં પૂજ્ય ગુરૂદેવશ્રી શ્રીસમયસારજીનું અચિંત્ય મહાત્મ્ય તથા તેના ભાવોનું ગંભીર રહસ્ય ખોલતા હતા તથા તેમના અંતરમાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય પ્રતિ અપાર મહિમા ઉછળી રહ્યો હતો તે જાણે કે પૂર્વના કોઈક સ્મરણોને પ્રદ્યોત ન કરતા હોય ! એવું સ્પષ્ટ પ્રતીત થતું હતુ. આ જ દિવસોમાં પૂજ્ય ગુરૂદેવશ્રીએ બહેનશ્રી ચંપાબેનને બહુમાનસૂચક ‘ભગવતી’ બિરૂદથી કૃપાન્વિત કર્યાં હતાં.
ધર્મધ્વજ ફરકે છે મારે મંદિરિયે,
સ્થપાયાં અમ આંગણીયે..