પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીની સાધનાભૂમિ સુવર્ણપુરીમાં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની રાત્રી મહિલા સભામાં ઉપદેશિત સ્વાનુરસભરપુર અધ્યાત્મવાણીમાંથી મહત્વપૂર્ણ ઉપયોગી વચનો, વિ.સં.2033(ઈ.સ.1977)માં પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીની મંગલ ઉપસ્થિતિમાં ‘બહેનશ્રીના વચનામૃત’ ગ્રંથ રૂપે પ્રકાશિત થયો હતો. તેમાં દર્શાવાયેલા તલસ્પર્શી, ગંભીર, સાદી ભાષામાં પ્રસ્તુત ન્યાયોથી પૂજ્ય ગુરૂદેવશ્રી અતિપ્રસન્ન થયા. તેઓશ્રીએ તે પુસ્તકને ઘણીવાર અનેક દૃષ્ટિકોણથી વાંચ્યું તથા પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં ટ્રસ્ટનાં પ્રમુખશ્રી રામજીભાઈ દોશીને કહ્યું કે “ભાઈ ! આ વચનામૃત પુસ્તક એટલું સરસ છે કે તેની એક લાખ પ્રતો છપાવો”.
‘બહેનશ્રી વચનામૃત’ પુસ્તક પ્રત્યે પૂજ્ય ગુરૂદેવશ્રીની પ્રસન્નતા જોઈ મુમુક્ષુઓએ તેને સંગમરમરના શિલાપટ્ટ પર ઉત્તીર્ણ કરાવવાની ભાવના વ્યક્ત કરી. તે માટે પૂજ્ય ગુરૂદેવશ્રીએ પ્રસન્નતાપૂર્વક સમ્મતિ આપી. જ્યારે આ શિલા- પટો લગાવવા માટે બહેનોના બ્રહ્મચર્યાશ્રમના સ્વાધ્યાય ભવન આદિ વિભિન્ન વિચાર પૂજ્ય ગુરૂદેવશ્રીને સંતોષ ન થયો ત્યારે તેઓશ્રીએ એક નૂતન ભવન નિર્માણ કરી તેમાં વચનામૃત લગાડવામાં આવે તેવો વિચાર મુકયો. શ્રી રામજીભાઈએ પૂજ્ય ગુરૂદેવશ્રીની ભાવના શિરોધાર્ય કરી. ‘બહેનશ્રી ચંપાબેન વચનામૃતભવન’ નિર્માણ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેની શિલાન્યાસ વિધિ વિ.સં.2035(ઈ.સ.1980) ના કાર્તક સુદ પાંચમના શુભદિને રાખવામાં આવી. વિધિ સમયે પૂજ્ય ગુરૂદેવશ્રી ઉપસ્થિત હતા તથા તેઓએ ઈંટો પર સ્વસ્તિક આલેખન કર્યો હતો.
ત્યાર બાદ આ ભવનને વિસ્તૃતરૂપ આપી તેમાં સંગમરમરના શિલાપટ્ટ પર પરમપૂજ્ય ‘ગુરૂદેવશ્રીનાં વચનામૃત’ તથા ‘પંચમેરૂ-નંદીશ્વરના જિનેન્દ્ર ભગવંતોની’ સ્થાપના પણ કરવામાં આવે એવો ટ્રસ્ટે નિર્ણય કર્યો. પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની મંગલ છાયામાં પંચમેરૂ-નંદીશ્વર જિનાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
શ્રી દિગંબર જિન ‘પંચમેરૂ-નંદીશ્વર જિનાલય’, ‘ગુરૂદેવશ્રી કાનજીસ્વામી વચનામૃતભવન,’ તથા ‘બહેનશ્રી વચનામૃતભવન’. એવા ત્રિવિધ નામાભિધાન યુક્ત આ અદ્વિતીય જિનાલયની શોભાની શું વાત ! ઉપરની વેદીમાં પાંચ ફુટના વિશાળ ગુલાબી પાષાણના વર્તમાન ચોવીસીના આદિનાથ ભગવાન, ઘાતકીવિદેહના ભાવિ ભગવાન તથા જમ્બુ ભરતના ભાવિ ભગવાન બિરાજમાન કરવામાં આવ્યા છે. નીચે મંડલાકાર નંદીશ્વરદ્વીપના પર(બાવન) તથા વચ્ચે પંચમેરૂના 80 ભગવાન છે. મંદિરની નીચેની દિવાલો પર સંગમરમરના શિલાપટ્ટ પર પૂજ્ય ગુરૂદેવશ્રીનાં વચનામૃત છે તથા ઉપર બહેનશ્રીનાં વચનામૃત ઉત્કીર્ણ કરાવવામાં આવ્યાં છે.
ઉપરની દિવાલો પર ઉત્કીર્ણ શીલાઓની વચ્ચે આદિનાથ ભગવાનના દસ ભવ, પૂજ્ય સદ્-ગુરૂદેવશ્રી કાનજીસ્વામીના નવ ભવ, ‘ૐ’ તથા નંદાવર્ત સ્વસ્તીક વગેરેની સુંદર ચિત્રાવલીઓની રચના છે. નીચેની દિવાલો પર કહાનગુરૂ જીવનદર્શન, શ્રીમલ્લિનાથ ભગવાનનો પૂર્વભવ, શ્રીમહાવીર ભગવાનના દસ ભવ, તથા ધરસેનાચાર્ય આદિક દર્શનીય ચિત્રાવલી છે. વચ્ચે 8’ x 8’ નું અધ્યાત્મ સત્પુરૂષ કાનજીસ્વામીનું વિશાલ ચિત્ર તથા તેમની જીવનગાથા ઉત્તીર્ણ છે. દરવાજામાં અષ્ટમંગલ દ્રવ્ય કોતરાયેલાં છે તો છતમાં દેવ તથા હાથી ભગવાનની અર્ચના કરવા આવતા નજરે પડે છે. પ્રત્યેક પહાડના મંદિરોમાં સોનાનું કામ કરવામાં આવ્યું છે. અતિવિશાળ એવા નંદીશ્વર મંદિરમાં પ્રવેશ કરતાં જ આગંતુક ને અત્યંત શાંતિનો અનુભવ થાય છે, જાણે કે અહીંથી બહાર જ ન નીકળીએ ! આ મંદિર નિયમિત ભક્તોનાં સ્તુતિ-ગાન-પૂજાથી ગુંજતું રહે છે.
પંચમેરૂ-નંદીશ્વરની રચના શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી છે. તે માટે પૂજ્ય બહેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનનો તો આધાર હતો જ, તદુપરાંત તેમના જયેષ્ઠ બંધુ વજુભાઈએ ત્રિલોકસારાદિમાંથી વિષયનો સંપૂર્ણ અભ્યાસ કરી માપ અનુસાર પહાડો તથા મંદિરો બનાવડાવ્યાં છે. વચનામૃત ઉત્કીર્ણ કરવામાં પંડિતરત્ન હિમ્મતભાઈનું મોટું યોગદાન રહ્યું છે.
અહા ! જેવું અજોડ પંચમેરૂ-નંદીશ્વર જિનાલય તેવો જ અજોડ પ્રતિષ્ઠા મહોત્સવ ! આ મંગળ મહોત્સવ વિ.સં.2041(ઈ.સ.1985) ફાલ્ગુન વદી એકમથી સાતમ સુધી ઉજવવામાં આવ્યો. શિલાન્યાસ વિધિસમયે પૂજ્ય ગુરૂદેવશ્રીનું 91મું વર્ષ હતું તેથી મંદિરની ઉંચાઈ 91’ રાખવામાં આવેલ છે.
પૂજ્ય ગુરૂદેવશ્રીની ઉપસ્થિતિમાં પંચકલ્યાણક મહોત્સવો અદ્-ભૂત થતા જ હતાં. પરંતું તેમની અનુપસ્થિતિમાં યોજાયેલો આ પહેલો પ્રતિષ્ઠા મહોત્સવ પણ તેઓશ્રીના પ્રભાવના યોગે ભવ્ય જ હતો. વિધિ-વિધાન શુદ્ધઆમ્નાય અનુસાર તથા પ્રતિષ્ઠાપાઠના આધારે જ થાય તે હેતુથી પૂજ્ય બહેનશ્રીએ સ્વયં સ્ફુરણાથી બ્ર.ચંદુભાઈને પ્રતિષ્ઠાવિધિ કરાવવાનો આદેશ આપ્યો તેમ જ આખી પ્રતિષ્ઠાવિધિનું માર્ગદર્શન પણ આપ્યું. પ્રત્યેક પ્રસંગની તૈયારીઓ પૂજ્ય ભગવતી બહેનશ્રી ચંપાબેનના નિદર્શનથી થતી હતી. વિધિનાયક ભગવાનનાં વસ્ત્રાભૂષણ હો કે આદિનાથ ભગવાનની ભવાવલિ, નંદિવિધાન, ધ્વજકલશ, સોળ સ્વપ્નો, રથયાત્રાઓ કાઢવી કે પંચકલ્યાણકો સમયે વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ, દરેકમાં પૂજ્ય બહેનશ્રી નિર્દેશ આપતાં તથા પ્રત્યેક કલ્યાણકના સમયે ઉપસ્થિત રહેતાં હતાં.
પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીના પૂણ્ય-પ્રતાપથી તેમજ પૂજ્ય બહેનશ્રીના ભાવનાથી આ ભવ્ય મહોત્સવ અતિ આનંદ પૂર્વક સંપન્ન થયો.
પંચમેરૂ નંદીશ્વરધામ બના, ભાવિજિનવરજી વિરાજિત હૈ, આદિનાથ પ્રભુ અરૂ જિનવરવૃંદ, રત્નજડિત વચનામૃત હૈ.