innerbanner

પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી ની પ્રશસ્તિ


અધ્યાત્મયુગસ્ત્રષ્ટા પૂજ્ય ગુરૂદેવ
શ્રી કાનજીસ્વામીની પ્રશસ્તિ
[વિક્રમ સંવત 1946-2037]

मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी।
मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।।
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरूवे नमः।।

આ ભારતવર્ષની પુણ્ય ભૂમિમાં અવતાર લઈને જે મહાપુરૂષે પ્રવર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર દેવાધિદેવ પરમ પૂજ્ય 1008 શ્રી મહાવીરસ્વામી દ્વારા પ્રરૂપિત તથા તદામ્નાયાનુવર્તી આચાર્યશિરોમણિ શ્રીમદ્-ભગવત્કુંદકુંદાચાર્યદેવ દ્વારા સમયસાર આદિ પરમાગમોમાં સુસંચિત શુદ્ધાત્મદ્રવ્યપ્રધાન અધ્યાત્મતત્વામૃતનું પોતે પાન કરીને વિક્રમની આ વીસ-એકવીસમી શતાબ્દીમાં આત્મસાધનાના પાવન પંથનો પુનઃ સમુદ્યોત કર્યો છે, રૂઢિગ્રસ્ત સાંપ્રદાયિકતામાં ફસાયેલા જૈનજગત ઉપર જેમણે, જિનાગમ, સમ્યક્ પ્રબળ યુક્તિ અને સ્વાનુભવથી દ્રવ્યદૃષ્ટિપ્રધાન સ્વાત્માનુભૂતિમૂલક વીતરાગ જૈનધર્મને પ્રકાશમાં લાવીને, અનુપમ, અદ્-ભુત અને અનંત-અનંત ઉપકારો કર્યા છે, પિસ્તાળીસ-પિસ્તાળીસ વર્ષના સુદીર્ઘ કાળ સુધી જેમનો નિવાસ, દિવ્ય દેશના તેમ જ પુનિત પ્રભાવનાયોગે સોનગઢ (સૌરાષ્ટ્ર)ને એક અનુપમ ‘અધ્યાત્મતીર્થ’ બનાવી દીધું છે. એવા સૌરાષ્ટ્રના આધ્યાત્મિક યુગપુરૂષ પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજીસ્વામીનો પવિત્ર જન્મ સૌરાષ્ટ્રના (ભાવનગર જિલ્લાના) ઉમરાળા ગામમાં વિ.સં.1890 (ઈ.સ.1946) વૈશાખ સુદ બીજ, રવિવારના શુભ દિને થયો હતો. પિતાશ્રી મોતીચંદભાઈ અને માતા શ્રી ઉજમબા જાતિએ દશા-શ્રીમાળી વણિક તથા ધર્મે સ્થાનકવાસી જૈન હતાં.

શિશુવયથી જ બાળક ‘કાનજી’ના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા અને આંખોમાં બુદ્ધિ ને વીર્યની અસાધારણ પ્રતિભા તરી આવતી હતી. તે નિશાળમાં તેમ જ જૈનશાળામાં પ્રાયઃ પહેલો નંબર રાખતા હતા. નિશાળના લૌકિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહિં; તેમને ઊંડે ઊંડે રહ્યા કરતું કે ‘જેની શોધમાં હું છું તે આ નથી’. કોઈ કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું; અને એક વાર તો, માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ, તે બાળમહાત્મા ‘સત્’ ના વિયોગે ખૂબ રડ્યા હતા.

યુવાવયમાં દુકાન ઉપર પણ તેઓ વૈરાગ્યપ્રેરક અને તત્વબોધક ધાર્મિક પુસ્તકો વાંચતા હતા. તેમનું મન વ્યાપારમય કે સંસારમય થયું નહોતું. તેમના અંતરનો ઝોક સદા ધર્મ ને સત્યની શોધ પ્રતિ જ રહેતો. તેમનો ધાર્મિક અભ્યાસ, ઉદાસીન જીવન અને સરળ અંતઃકરણ જોઈને સગાંસંબંધીઓ તેમને ‘ભગત’ કહેતાં. તેમણે બાવીસ વર્ષની કુમારાવસ્થામાં આજીવન બ્રહ્મચર્ય-પાલનની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. વિ.સં. 1970(ઈ.સ.1914) સુદ 9 ને રવિવાર દિવસે ઉમરાળામાં ગૃહસ્થજીવનનો ત્યાગ કરી મોટા ઉત્સવપૂર્વક સ્થાનકવાસી જૈન સંપ્રદાયનું દીક્ષાજીવન અંગીકૃત કર્યું હતું.

દીક્ષા લઈને તુરત જ ગુરૂદેવશ્રીએ શ્વેતાંબર આગમોનો સખત અભ્યાસ કરવા માંડ્યો. તેઓ સંપ્રદાયની શૈલીનું ચારિત્ર પણ ઘણું કડક પાળતા. થોડા જ વખતમાં તેમની આત્માર્થીતાની, જ્ઞાનપિપાસાની ને ઉગ્ર ચારિત્રની સુવાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં એટલી બધી ફેલાઈ ગઈ કે સમાજ તેમને ‘કાઠિયાવાડના કોહિનૂર’- એ નામથી બિરદાવતો થયો.

ગુરૂદેવશ્રી પ્રથમથી જ તીવ્ર પુરૂષાર્થી હતા. ‘ગમે તેવું આકરું ચારિત્ર પાળીએ તો પણ કેવળી ભગવાને જો અનંત ભવ દીઠા હશે તો તેમાંથી એક પણ ભવ ઘટવાનો નથી’- એવી કાળલબ્ધિ ને ભવિતવ્યતાની પુરૂષાર્થહીનતાભરી વાતો કોઈ કરે તો તેઓ તે સાંખી શકતા નહિં અને દૃઢપણે કહેતા કે ‘જે પુરૂષાર્થી છે તેને અનંત ભવ હોય જ નહિં, કેવળી ભગવાને પણ તેના અનંત ભવ દીઠા જ નથી, પૂરૂષાર્થીને ભવસ્થિતિ આદિ કાંઈ નડતું નથી’. ‘પુરૂષાર્થ, પુરૂષાર્થ ને પુરૂષાર્થ’ એ ગુરૂદેવનો જીવનમંત્ર હતો.

દીક્ષાપર્યાય દરમ્યાન તેમણે શ્વેતાંબર શાસ્ત્રોનો ઊંડા મનનપૂર્વક ઘણો અભ્યાસ કર્યો. છતાં જેની શોધમાં તેઓ હતા તે તેમને હજુ મળ્યું નહોતું.

વિ.સં. 1978 (ઈ.સ.1923) વિધિની કોઈ ધન્ય પણે દિગંબર જૈનાચાર્ય શ્રીમદ્-ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ પૂર્વભવના પ્રબળ સંસ્કારી એવા આ મહાપુરૂષના કરકમળમાં આવ્યો. તે વાંચતાં જ તેમના હર્ષનો પાર ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. ગુરૂદેવશ્રીના અંતરનયને સમયસારમાં અમૃતનાં સરોવર છલકાતાં જોયા; એક પછી એક ગાથા વાંચતાં તેમણે ઘૂંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગુરૂદેવે ગ્રંથાધિરાજ સમયસારમાં કહેલા ભાવોનું ઊંડું મંથન કર્યું અને ક્રમે સમયસાર દ્વારા ગુરૂદેવ પર અપૂર્વ અલૌકિક, અનુપમ ઉપકાર થયો. ગુરૂદેવના આત્માનંદનો પાર ન રહ્યો. તેમના અંતરજીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું. ઉપયોગનો પ્રવાહ સુધાસિંધુ જ્ઞાયકદેવ તરફ વળ્યો. તેમની જ્ઞાનકળા અપૂર્વ રીતે ખીલવા લાગી.

વિ.સં.1991(ઈ.સ.1935) સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી પૂજ્ય ગુરૂદેવે સૌરાષ્ટ્રનાં અનેક પ્રમુખ શહેરોમાં ચાતુર્માસ તેમ જ શેષ કાળમાં સેંકડો નાનાંમોટાં ગામોમાં વિહાર કરી લુપ્તપ્રાય અધ્યાત્મધર્મનો ઘણો ઉદ્યોત કર્યો. તેમનાં પ્રવચનોમાં એવા અલૌકિક આધ્યાત્મિક ન્યાયો આવતા કે જે બીજે ક્યાંય સાંભળવા ન મળ્યા હોય. પ્રત્યેક પ્રવચનમાં તેઓ ભવાન્તકારી કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન પર અત્યંત ભાર મૂકતા. તેઓશ્રી કહેતાઃ “શરીરનાં ચામડાં ઉતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો – એવાં વ્યવહારચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી…..લાખો જીવોની હિંસાનાં પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે…..સમકિત સહેલું નથી. લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાના સમ્યક્ત્વનો નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે. સમકિત એ કોઈ જુદી જ વસ્તુ છે. સમકિત વિનાની ક્રિયાઓ એકડા વિનાનાં મીંડાં છે…..જાણપણું તે જ્ઞાન નથી; સમકિત સહિત જાણપણું તે જ જ્ઞાન છે. અગિયાર અંગ કંઠાગ્રે હોય પણ સમકિત ન હોય તો તે અજ્ઞાન છે. ….સમકિતીને તો મોક્ષના અનંત અતીન્દ્રિય સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. તે વાનગી મોક્ષના સુખના અનંતમા ભાગે હોવા છતાં અનંત છે.” આ રીતે સમ્યગ્દર્શનનું અદ્-ભુત માહાત્મ્ય અનેક સમ્યક્ યુક્તિઓથી, અનેક પ્રમાણોથી અને અનેક સચોટ દૃષ્ટાંતોથી તેઓશ્રી લોકોને ઠસાવતા. તેમનો પ્રિય અને મુખ્ય વિષય સમ્યગ્દર્શન હતો.

ગુરૂદેવને સમયસારપ્રરૂપિત વાસ્તવિક વસ્તુસ્વભાવ અને સ્વાનુભૂતિપ્રધાન વાસ્તવિક દિગંબર નિર્ગ્રંથમાર્ગ ઘણા વખતથી અંદરમાં સત્ય લાગતો હતો, અને બહારમાં વેષ તથા આચાર જુદા હતા,- એ વિષમ સ્થિતિ તેમને ખટકતી હતી; તેથી તેઓશ્રીએ સોનગઢમાં યોગ્ય સમયે- વિ.સં.1991ની(ઈ.સ.1935) ચૈત્ર સુદ 13 (મહાવીરજયંતી)ના દિને-‘પરિવર્તન’ કર્યું, સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કર્યો, ‘હવેથી હું આત્મસાધક દિગંબર જૈનમાર્ગાનુયાયી બ્રહ્મચારી છું’ એમ ઘોષિત કર્યું. ‘પરિવર્તન’ ના કારણે પ્રચંડ વિરોધ થયો, તો પણ આ નીડર ને નિસ્પૃહ મહાત્માએ તેની કાંઈ પરવા કરી નહિં. હજારોની માનવમેદનીમાં ગર્જતો આ અધ્યાત્મકેસરી ‘સત્’ ને ખાતર જગતથી તદ્ન નિરપેક્ષપણે સોનગઢના એકાંત સ્થળમાં જઈને બેઠો. શરૂઆતમાં ખળભળાટ તો થયો; પરંતુ ગુરૂદેવશ્રી કાઠિયાવાડના સ્થાનકવાસી જૈનોનાં હૃદયમાં બેસી ગયા હતા, ગુરૂદેવશ્રી પ્રત્યે તેઓ મુગ્ધ બન્યા હતા, તેથી ‘ગુરૂદેવે જે કર્યું હશે તે સમજીને જ કર્યું હશે’ એમ વિચારીને ધીમે-ધીમે લોકોનો પ્રવાહ સોનગઢ તરફ વહેવા લાગ્યો. સોનગઢ તરફ વહેતાં સત્સંગાર્થી જનોનાં પૂર દિનપ્રતિદિન વેગપૂર્વક વધતાં જ ગયાં.

સમયસાર, પ્રવચનસાર. નિયમસાર વગેરે શાસ્ત્રો પર પ્રવચન આપતાં ગુરૂદેવના શબ્દે શબ્દે ઘણી ગહનતા, સૂક્ષ્મતા અને નવીનતા નીકળતી. જે અનંત જ્ઞાન ને આનંદમય પૂર્ણ દશા પ્રાપ્ત કરીને તીર્થંકરદેવે દિવ્યધ્વનિ દ્વારા વસ્તુસ્વરૂપ નિરૂપ્યુ. તે પરમ પવિત્ર દશાનો સુધાસ્યંદી સ્વાનુભૂતિસ્વરૂપ પવિત્ર અંશ પોતાના આત્મામાં પ્રગટ કરીને સદ્-ગુરૂદેવે પોતાની વિકસિત જ્ઞાનપર્યાય દ્વારા શાસ્ત્રમાં રહેલાં ગૂઢ રહસ્યો સમજાવીને મુમુક્ષુઓ પર મહાન મહાન ઉપકાર કર્યો.

ગુરૂદેવની વાણી સાંભળી સેંકડો શાસ્ત્રોના અભ્યાસી વિદ્વાનો પણ આશ્ચર્યચક્તિ થઈ જતા અને ઉલ્લાસમાં આવીને કહેતાઃ ‘ગુરૂદેવ! આપનાં પ્રવચનો અપૂર્વ છે; તેમનું શ્રવણ કરતાં અમને તૃપ્તિ જ થતી નથી. આપ ગમે તે વાત સમજાવો તેમાંથી અમને નવું નવું જ જાણવાનું મળે છે. નવ તત્વનું સ્વરૂપ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું સ્વરૂપ, સ્યાદ્વાદનું સ્વરૂપ કે સમ્યક્ત્વનું સ્વરૂપ, નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કે વ્રત-તપ-નિયમનું સ્વરૂપ, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ કે સાધ્ય-સાધનનું સ્વરૂપ, દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કે ચરણાનુયોગનું સ્વરૂપ કે કેવળજ્ઞાનનું સ્વરૂપ – જે જે વિષયનું સ્પષ્ટીકરણ આપના શ્રીમુખે અમે સાંભળીએ છીએ તેમાં અમને અપૂર્વ ભાવો દૃષ્ટિગોચર થાય છે. આપના શબ્દે શબ્દે વીતરાગદેવનું હૃદય પ્રગટ થાય છે. ’

ગુરૂદેવ વારંવાર કહેતાઃ ‘સમયસાર સર્વોત્તમ શાસ્ત્ર છે.’ સમયસારની વાત કરતાં પણ તેમને અતિ ઉલ્લાસ આવી જતો. સમયસારની પ્રત્યેક ગાથા મોક્ષ આપે એવી છે એમ તેઓશ્રી કહેતા. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં બધાં શાસ્ત્રો પર તેમને અપાર પ્રેમ હતો. ‘ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના દાસાનુદાસ છીએ’- એમ તેઓશ્રી ઘણી વાર ભક્તિભીના અંતરથી કહેતા. ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞવીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા, તે વિષે પૂજ્ય ગુરૂદેવને અણુમાત્ર પણ શંકા નહોતી. શ્રી કુંદકુંદાચાર્યદેવના વિદેહગમન વિષે તેઓ અત્યંત દૃઢતાપૂર્વક ઘણી વાર ભક્તિભીના હૃદયથી પોકાર કરીને કહેતા કે – ‘કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ, એ વાત એમ જ છે; માનો તોપણ એમ જ છે, ન માનો તો પણ એમ જ છે; યથાતથ છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.’ શ્રી સીમંધરપ્રભુ પ્રત્યે ગુરૂદેવને અતિશય ભક્તિભાવ હતો. કોઈ કોઈ વખત સીમંધરનાથના વિરહે પરમ ભક્તિવંત ગુરૂદેવનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહી જતી.

પૂજ્ય ગુરૂદેવે અંતરથી શોધેલો સ્વાનુભવપ્રધાન અધ્યાત્મમાર્ગ – દિગંબર જૈનધર્મ જેમ જેમ પ્રસિદ્ધ થતો ગયો તેમ તેમ વધુ ને વધુ જિજ્ઞાસુઓ આકર્ષાયા. ગામોગામ ‘દિગંબર જૈન મુમુક્ષુમંડળ’ સ્થપાયાં. સંપ્રદાયત્યાગથી જાગેલો વિરોધવંટોળ શમી ગયો. હજારો સ્થાનવાસી શ્વેતાંબર જૈનો અને સેંકડો જૈનોતરો સ્વાનુભૂતિપ્રધાન વીતરાગ દિગંબર જૈનધર્મના શ્રદ્ધાળુ થયા. હજારો દિગંબર જૈનો રૂઢિગત બહિર્લક્ષી પ્રથા છોડીને પૂજ્ય ગુરૂદેવ દ્વારા પ્રવાહિત શુદ્ધાત્મતત્વપ્રધાન અનેકાંતસુસંગત અધ્યાત્મપ્રવાહમાં શ્રદ્ધાભક્તિ સહ જોડાયા. પૂજ્ય ગુરૂદેવનો પ્રભાવના-ઉદય દિન-પ્રતિદિન વધુ ને વધુ ખીલતો ગયો.

ગુરૂદેવના મંગળ પ્રતાપે સોનગઢ ધીમે ધીમે અધ્યાત્મવિદ્યાનું એક અનુપમ કેન્દ્ર-તીર્થધામ બની ગયું. બહારથી હજારો મુમુક્ષુઓ તેમ જ અનેક દિગંબર જૈનો, પંડિતો, ત્યાગીઓ, બ્રહ્મચારીઓ પૂજ્ય ગુરૂદેવશ્રીના ઉપદેશનો લાભ લેવા માટે આવવા લાગ્યા. તદુપરાંત, સોનગઢમાં બહુમુખી ધર્મપ્રભાવનાનાં અનેકવિધ સાધનો યથાવસર અસ્તિત્વમાં આવતાં ગયાઃ- વિ.સં. 1994માં(ઈ.સ.1938) શ્રી જૈન સ્વાધ્યાયમંદિર, વિ.સં.1997માં(ઈ.સ.1941) શ્રી સીમંધરસ્વામીનું દિગંબર જિનમંદિર, વિ.સં.1998માં(ઈ.સ.1942) શ્રી સમવસરણ મંદિર, વિ.સં.2003માં(ઈ.સ.1946) શ્રી કુંદકુંદપ્રવચનમંડપ, વિ.સં.2009માં(ઈ.સ.1953) શ્રી માનસ્તંભ, વિ.સં.2030માં(ઈ.સ.1974) શ્રી મહાવીર-કુંદકુંદ દિગંબર જૈન પરમાગમમંદિર વગેરે ભવ્ય ધર્માયતનો નિર્મિત થયાં. દેશ-વિદેશમાં વસનારા જિજ્ઞાસુઓ પૂજ્ય ગુરૂદેવશ્રીના અધ્યાત્મતત્વોપદેશથી નિયમિત લાભાન્વિત થાય તે માટે ગુજરાતી તેમ જ હિન્દી ‘આત્મધર્મ’ માસિક પત્રનું પ્રકાશન શરૂ થયું. વચ્ચે થોડાં વર્ષો સુધી ‘સદ્-ગુરૂપ્રવચનપ્રસાદ’ નામનું દૈનિક પ્રવચનપત્ર પણ પ્રકાશિત થતું હતું. તદુપરાંત સમયસાર, પ્રવચનસાર વગેરે અનેક મૂળ શાસ્ત્રો તથા વિવિધ પ્રવચનગ્રંથો ઈત્યાદિ અધ્યાત્મસાહિત્યનું વિપુલ પ્રમાણમાં-લાખોની સંખ્યામાં- પ્રકાશન થયું. હજારો પ્રવચનો ટેઈપ-રેકોર્ડ કરવામાં આવ્યાં. આમ પૂજ્ય ગુરૂદેવનો અધ્યાત્મ-ઉપદેશ મુમુક્ષુઓના ઘરે ઘરે ગુંજતો થયો. દર વર્ષે ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓ માટે અને શ્રાવણમાસમાં પ્રૌઢ ગૃહસ્થો માટે ધાર્મિક શિક્ષણવર્ગ ચલાવવામાં આવતો હતો અને હજુ પણ ચલાવવામાં આવે છે. આ રીતે સોનગઢ પૂજ્ય ગુરૂદેવના પરમ પ્રતાપે બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર કેન્દ્ર બની ગયું.

પૂજ્ય ગુરૂદેવના પુનિત પ્રભાવથી સૌરાષ્ટ્ર-ગુજરાત તેમ જ ભારતવર્ષના અન્ય પ્રાન્તોમાં સ્વાનુભૂતિપ્રધાન વીતરાગ દિગંબર જૈનધર્મના પ્રચારનું એક અદ્-ભુત અમિટ આંદોલન પ્રસરી ગયું. જે મંગળ કાર્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે ગિરનાર પર વાદ પ્રસંગે કર્યું હતું તે પ્રકારનું, સ્વાનુભવપ્રધાન દિગંબર જૈનધર્મની સનાતન સત્યતાની પ્રસિદ્ધિનું ગૌરવપૂર્ણ મહાન કાર્ય અહા ! પૂજ્ય ગુરૂદેવે શ્વેતાંબરબહુલ પ્રદેશમાં રહી, પોતાના સ્વાનુભવમુદ્રિત સમ્યક્ત્વ પ્રધાન સદુપદેશ દ્વારા હજારો સ્થાનકવાસી શ્વેતાંબરોમાં શ્રદ્ધાનું પરિવર્તન લાવીને, સહજપણે છતાં ચમત્કારિક રીતે કર્યું. સૌરાષ્ટ્રનાં નામશેષ થઈ ગયેલા આત્માનુભૂતિમૂલક દિગંબર જૈન ધર્મના-પૂજ્ય ગુરૂદેવના પ્રભાવનાયોગે ઠેરઠેર થયેલાં દિગંબર જૈન મંદિરો, તેમની મંગલ પ્રતિષ્ઠાઓ તથા આધ્યાત્મિક પ્રવચનો દ્વારા થયેલા-પુનરૂદ્વારનો યુગ આચાર્યવર શ્રી નેમિચંદ્ર સિદ્ધાન્તચક્રવર્તીના મંદિરનિર્માણ-યુગની યાદ આપે છે. અહા ! કેવો અદ્-ભુત આચાર્યતુલ્ય ઉત્તમ પ્રભાવનાયોગ ! ખરેખર, પૂજ્ય ગુરૂદેવ દ્વારા આ યુગમાં એક સમર્થ પ્રભાવક આચાર્ય જેવાં જિનશાસનોન્નતિકર અદ્-ભુત અનુપમ કાર્યો થયાં છે.

પૂજ્ય ગુરૂદેવ બબ્બે વાર સહસ્ત્રાધિક વિશાળ મુમુક્ષુસંઘ સહિત પૂર્વ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતનાં જૈન તીર્થોની પાવન યાત્રા કરી, ભારતનાં અનેક નાનાંમોટાં નગરોમાં પ્રવચનો આપ્યાં અને નાઈરોબી(આફ્રિકા)નો, નવનિર્મિત દિગંબર જિનમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે, પ્રવાસ કર્યો- જે દ્વારા સમગ્ર ભારતમાં તેમ જ વિદેશોમાં શુદ્ધાત્મદૃષ્ટિપ્રધાન અધ્યાત્મવિદ્યાનો ખૂબ પ્રચાર થયો.

આ અસાધરણ ધર્મોદ્યોત સ્વયમેવ વિના-પ્રયત્ને સાહજિક રીતે થયો. ગુરૂદેવ ધર્મપ્રભાવના માટે કદી કોઈ યોજના વિચારી નહોતી. તે તેમની પ્રકૃતિમાં જ નહોતું. તેમનું સમગ્ર જીવન નિજકલ્યાણસાધનાને સમર્પિત હતું, જે કલ્યાણકારી તથ્યોને આત્મસાત્ કર્યાં હતાં, તેની અભિવ્યક્તિ ‘વાહ ! આવી વસ્તુસ્થિતિ!’ એમ વિવિધ પ્રકારે સહજભાવે ઉલ્લાસપૂર્વક તેમનાથી થઈ જતી, જેની ઊંડી આત્માર્થપ્રેરક અસર શ્રોતાઓનાં હૃદય પર પડતી. મુખ્યત્વે આવા પ્રકારે તેમના દ્વારા સહજપણે ધર્મોદ્યોત થઈ ગયો હતો. આવી પ્રબળ બાહ્ય પ્રભાવના થવા છતાં, પૂજ્ય ગુરૂદેવને બહારનો જરા પણ રસ નહોતો; તેમનું જીવન તો આત્માભિમુખ હતું.

પૂજ્ય ગુરૂદેવનું અંતર સદા ‘જ્ઞાયક….જ્ઞાયક….જ્ઞાયક, ભગવાન આત્મા, ધ્રુવ..ધ્રુવ..ધ્રુવ, શુદ્ધ…શુદ્ધ….શુદ્ધ, પરમ પારિણામિકભાવ’ એમ ત્રિકાલિક જ્ઞાયકના આલંબનભાવે નિરંતર – જાગ્રતિમાં કે નિદ્રામાં – પરિણમી રહ્યું હતું. પ્રવચનોમાં ને તત્વચર્ચામાં તેઓ જ્ઞાયકના સ્વરૂપનું અને તેના અનુપમ મહિમાનું મધુરૂં સંગીત ગાયા જ કરતા હતા. અહો ! એ સ્વતંત્રતાના ને જ્ઞાયકના ઉપાસક ગુરૂદેવ ! તેમણે મોક્ષાર્થીઓને મુક્તિને સાચો માર્ગ બતાવ્યો !

અહા ! ગુરૂદેવનો મહિમા શું કરી શકાય ! ગુરૂદેવનું દ્રવ્ય જ અલૌકિક હતું. આ પંચમ કાળમાં આ મહાપુરૂષનો – આશ્ચર્યકારી અદ્-ભુત આત્માનો – અહીં અવતાર થયો તે કોઈ મહાભાગ્યની વાત છે. તેઓશ્રીએ સ્વાનુભૂતિની અપૂર્વ વાત પ્રગટ કરીને આખા ભારતના જીવોને જગાડ્યા છે. ગુરૂદેવનું દ્રવ્ય ‘તીર્થંકરનું દ્રવ્ય’ હતું. આ ભરતક્ષેત્રમાં પધારીને તેમણે મહાન-મહાન ઉપકાર કર્યો છે.

આજે પણ પૂજ્ય ગુરૂદેવના સાતિશય પ્રતાપે સોનગઢનું સૌમ્ય શીતળ વાતાવરણ આત્માર્થોની આત્મસાધનાલક્ષી આધ્યાત્મિક પ્રવૃત્તિઓની મધુર સુગંધથી મધમધી રહ્યું છે. આવું, પૂજ્ય ગુરૂદેવનાં ચરણકમળના સ્પર્શથી અનેક વર્ષો સુધી પાવન થયેલું આ અધ્યાત્મતીર્થધામ સોનગઢ-આત્મસાધનાનું તથા બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર નિકેતન-સદૈવ આત્માર્થીઓના જીવનપંથને ઉજાળતું રહેશે.

હે પરમપૂજ્ય પરમોપકારી કહાનગુરૂદેવ ! આપશ્રીનાં પુનિત ચરણોમાં – આપની માંગલિક પવિત્રતાને, પુરૂષાર્થપ્રેરક ધ્યેયનિષ્ઠ જીવનને, સ્વાનુભૂતિમૂલક સન્માર્ગદર્શક ઉપદેશોને અને તથાવિધ અનેકાનેક ઉપકારોને હૃદયમાં રાખીને – અત્યંત ભક્તિપૂર્વક ભાવભીનાં વંદન હો. આપના દ્વારા પ્રકાશિત વીર-કુંદપ્રરૂપિત સ્વાનુભૂતિનો પાવન પંથ જગતમાં સદા જયવંત વર્તો ! જયવંત વર્તો ! !

અહો ! ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો;
જિન-કુંદ-ધ્વનિ આપ્યા, અહો ! તે ગુરૂકહાનનો.