innerbanner

સ્વાત્માનુભવી પૂજ્ય બહેનશ્રી ચંપાબેન

Bahenshree

પરમપૂજ્ય ગુરૂદેવશ્રીના શાસનનાં ‘ધર્મરત્ન’
* સ્વાત્માનુભવી પૂજ્ય બહેનશ્રી ચંપાબેન *

પરમોપકારી પૂજય ગુરૂદેવશ્રી કાનજીસ્વામીને વિ.સં.1978 (ઈ.સ.1922)માં ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણિત સમયસાર-પરમાગમનો પાવન યોગ થયો. તેથી તેમના સુષુપ્ત આધ્યાત્મીય પૂર્વસંસ્કાર જાગૃત થયા, અંતઃચેતના વિશુદ્ધ આત્મતત્વ સાધવા તરફ વળેલી પરિણતિ શુદ્ધાત્મભિમુખી થઈ, તથા તેમની પ્રવચનશૈલી અધ્યાત્મસુધાથી તરબોળ થઈ ગઈ.

પૂજ્ય (બહેનશ્રી) ચંપાબેન કે જેમનો જન્મ તા. 7/08/1914 વિ.સં.1970 ભાદરવા (ગુ.શ્રાવણ) વદી-2 ને શુક્રવારને દિવસે માતા તેજબા તથા પિતા જેઠાલાલભાઈના ધાર્મિક સંસ્કારો થયો હતો. તેઓનું બાળપણ ધર્મ, વૈરાગ્ય તથા ભક્તિમય સંસ્કારોથી અભિસિંચિત હતુ. તેમને લઘુ-વયમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રીની શુદ્ધાત્મસ્પર્શી વજ્રવાણીના શ્રવણનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેનાથી તેઓમાં સમ્યક્ત્વ-આરાધના પૂર્વસંસ્કાર પુનઃ સાકાર થયા. તેઓ શ્રીએ તત્વમંથનના અંતર્મુખ ઉગ્ર પૂરૂષાર્થ દ્વારા વિ.સં.1989 (ઈ.સ.1933)માં 18વર્ષની બાળાવયમાં જ નિજ શુદ્ધાત્મદેવનો ફાગણ વદ 10 ના દિને સાક્ષાત્કાર કરી નિર્મળ સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી. દિવસે-દિવસે વૃદ્ધિગત-ધારા પ્રવાહરૂપ વર્તતી, આ વિમળ અનુભૂતિથી સદા પવિત્ર તેમનું પ્રવર્તમાન જીવન, પૂજ્ય ગુરૂદેવશ્રીની માંગલિક, પ્રબળ પ્રભાવનારૂપ છાયામાં મુમુક્ષુઓને સદા પવિત્ર જીવનની પ્રેરણા આપતું રહ્યુ છે.

પૂજ્ય બહેનશ્રીના પવિત્ર જીવનની છાય તો પૂજ્ય ગુરૂદેવશ્રીના અંતરમાં હતી જ, પરંતું જ્યારે વિ.સં. 1989(ઈ.સ.1933)માં રાજકોટમાં તેમને જાણ થઈ કે બહેનશ્રીને સમ્યક્દર્શન તથા તજ્જન્ય નિર્વિકલ્પ આત્માનુભૂતિ પ્રગટ થઈ છે ત્યારે તેઓશ્રીએ બહેનશ્રીને આધ્યાત્મવિષયક ગંભીર કસોટી પ્રશ્ન પૂછીને બરાબર પરીક્ષા કરી, તથા પરિણામે પૂજ્ય ગુરૂદેવશ્રીએ સહર્ષ સ્વીકાર કરતાં, કહ્યું “બહેન ! તમારી દૃષ્ટિ અને નિર્મળ અનુભૂતિ યથાર્થ છે.”

અસંગ આત્મદશાનાં પ્રેમી પૂજ્ય બહેનશ્રીને ક્યારેય લૌકિક વ્યવહારના પ્રસંગોમાં રસ આવતો જ નહોતો. તેઓનું અંતર્ધ્યેયલક્ષી જીવન સત્શ્રવણ, સ્વાધ્યાય, મંથન તથા આત્મધ્યાનથી સમૃદ્ધિ હતું. આત્મધ્યાનમય વિમળ અનુભૂતિમાંથી ઉપયોગ બહાર આવતાં એકવાર વિ.સં.1993(ઈ.સ.1939)ના વૈશાખ (ગુ.ચૈત્ર) વદ-8ના દિને તેમને ઉપયોગની નિર્મળતામાં ભવાંતરો સંબંધી સહજ સ્પષ્ટ જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું.

ધર્મસંબંધી અનેક પ્રકારે સ્પષ્ટતાનો-સત્યતાનો વાસ્તવિક બોધ દેવાવાળા તેમનું તે સાતિશય સ્મરણજ્ઞાન આત્મશુદ્ધિની સાથે-સાથે ક્રમશઃ વધતું ગયું. જેના પૂનિત પ્રભાથી પૂજ્ય ગુરૂદેવશ્રીના મંગળ પ્રભાવના ઉદયને ચમત્કારિક વેગ મળ્યો.

સહજ વૈરાગ્ય, શુદ્ધાત્મરસભીની ભગવતી ચેતના, વિશુદ્ધ આત્મધ્યાનના પ્રભાવથી પુનઃ પ્રાપ્ત નિજ આરાધનાની મંગલ ડોર તથા જ્ઞાયક ઉદ્યાનમાં ક્રિડાશીલ વિમળ દશામાં સહજ સ્ફુટિત અનેક ભવોનું જાતિસ્મરણજ્ઞાન ઈત્યાદિ વિવિધ અધ્યાત્મિક પવિત્ર વિશેષતાઓ દ્વારા વિભૂષિત પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના અસાધારણ ગુણગંભીર વ્યક્તિત્વનો પરિચય પ્રકાશિત કરતાં પૂજ્ય ગુરૂદેવશ્રી સ્વયં પ્રસન્નહૃદયે અનેકવાર કહેતા કેઃ-

“બહેનોનું મહાન ભાગ્ય છે કે ચંપાબેન જેવાં ધર્મરત્ન આ કાળમાં જન્મ્યાં છે. બેન(બહેનશ્રી) તો અણમોલ રત્ન છે. અતીન્દ્રિય આનંદનો નાથ તેમના અંતરમાં જાગૃત થયો છે. તેમની અંતર સ્થિતિ કાંઈક જુદીજ છે. તેમની સુદૃઢ નિર્મળ આત્મદૃષ્ટિ તથા નિર્વિકલ્પ સ્વાનુભૂતિનો જોટો આ કાળે મળ્યો કઠણ છે. અસંખ્ય અરબજ વર્ષનું તેમને જાતિ-સ્મરણજ્ઞાન છે. બેન ધ્યાનમાં બેસે છે ત્યારે કોઈ વાર અંદરમાં ભૂલી જાય છે કે પોતે વિદેહમાં છે કે ભરતમાં !!…. બેન તો પોતાના અંતરમાં-આત્માના કાર્યમાં એવાં લીન છે કે તેમને બહારની કાંઈ પડી જ નથી. પરંતુ અમને એવા ભાવ આવે છે કે બહેન ઘણાં વર્ષો સુધી ગુપ્ત રહ્યાં હવે તો લોકો તેમને ઓળખે”…

આવી વાત્સલ્યોર્ભિસભર ભાવોદ્ગાર ભરી પૂજ્ય ગુરૂદેવશ્રીની મંગલવાણીમાં જેમની આત્ધાત્મિક પવિત્રા મહિમા સભામાં અનેકવાર પ્રસિદ્ધિ થઈ છે. તેવાં પૂજ્ય ચંપાબેને મહિલા-શાસ્ત્રસભામાં ઉચ્ચારેલાં, તેઓની અનુભવ ધારામાંથી પ્રવાહિત થયેલાં આત્માર્થપોષક વચનોને લિપિબદ્ધ કરી પ્રકાશિત કરાયેલો અમુલ્ય ‘બહેનશ્રીનાં વચનામૃત’ નામક ગ્રંથ તથા તેના પર પૂજ્ય ગુરૂદેવશ્રીનાં પ્રવચનો ચાર ભાગોમાં પ્રકાશિત થયાં છે. એટલું જ નહી તેમના સમ્યક્ત્વપૂર્વનાં તથા સમ્યક્ત્વ પછીના પત્ર તથા લેખાદિ નો સંગ્રહ ‘બહેનશ્રીની સાધના અને વાણી’ ના રૂપે મુમુક્ષઓને આત્માર્થતાની અનુપમ પ્રેરણા તથા સ્વરૂપ બતાવતો અનુપમ ગ્રંથ પણ પ્રકાશિત થઈ ચુકયો છે. તદ્ઉપરાંત પૂજ્ય બહેનશ્રીનો સ્વયંલિખિત જાતિસ્મરણ જ્ઞાનનો ચિતાર પણ ‘બહેનશ્રીનો જ્ઞાનવૈભવ’ નામક ગ્રંથ તથા તેમના જીવનનું દિગ્દર્શન કરાવવા વાળું ‘આરાધનાની દેવી’ નામનું સચિત્ર પુસ્તક પણ પ્રકાશિત થઈ ચુક્યું છે. આ રીતે પૂજ્ય બહેનશ્રીના આધ્યાત્મિક જીવનની વિવિધ સામગ્રીથી આપણે પણ પોતાના જીવનમાં આત્મહિતનું ઘડતર કરીએ. એજ ભાવના.

પરમ પૂજ્ય સદ્-ગુરૂદેવના શાસનની પ્રભાવનામાં પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનો વિશેષ સહયોગ રહ્યો છે. અનુભૂતિ તથા આત્મ-સાધનામાં રત રહેતાં થકા, પણ તાત્વિક ચર્ચા દ્વારા પૂજ્ય ગુરૂદેવશ્રીના અંતરનો મર્મ, સૂક્ષ્મ ન્યાયોની સ્પષ્ટતા કરી મુમુક્ષુમંડળ પર અત્યંત ઉપકાર કર્યો. તેમની દેવ-ગુરૂ-શાસનની ભક્તિ ના કારણે સુવર્ણપુરી સદા જયવંત રહો !

તુજ જ્ઞાન ધ્યાનનો રંગ, અમ આદર્શ રહો;
હો ! શિવપદ તક તુજ સંગ, માતા હાથ ગ્રહો.